વડોદરાની ગોત્રી હોસ્પિટલ જીએમઇઆરએસમાંથી 31 તબીબો-પ્રાધ્યાપકોની સાગમટે બદલીઓ થતા ગોત્રી હોસ્પિટલ અને કોલેજમાં ભારે ચર્ચા જાગી છે. કારણ કે, ગોત્રી હોસ્પિટલમાં સર્જરી કરવી પડે તેવી સ્થિતિમાં દર્દીઓ અટવાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છેે. જ્યારે સર્જરી કરવા માટે નિષ્ણાત એનેસ્થેટિસ્ટની જરૂર પડતી હોય છે તે પૈકીના 2 તબીબોની પણ બદલી કરવામાં આવી છે.
ગોધરાની નવી જીઇએમઇઆરએસ હોસ્પિટલ માટે આગામી 2-3 દિવસમાં ઇન્સ્પેકશન થવાનું હોવાથી આ બદલીઓ થઈ હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
ગોત્રી હોસ્પિટલમાં રોજના લગભગ 3થી 5 મેજર સર્જરીઓ અને 7થી 12 જેટલી માઇનોર સર્જરી થતી હોય છે. હવે જ્યારે સર્જરી વિભાગના એચઓડી સહિતના 2 સહપ્રાધ્યાપક અને 3 મદદનીશ પ્રાધ્યાપક કક્ષાના તબીબોની બદલી કરાતા જટિલ સર્જરીઓ અટવાશે. કારણ કે, જે તબીબોની બદલીઓ થઇ છે તે ખૂબ જ અનુભવી અને નિષ્ણાત હોય તેવોની બદલીઓ થતા અહીંનું કામ અટવાઈ જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.