કર્ણાટકના મેંગલુરુ જિલ્લામાં એક યુવકની ઘાતકી હત્યા થતા મામલો તંગ બની ગયો છે
બે દિવસ પહેલા, દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં પણ ભાજપના એક નેતાની પણ તીક્ષ્ણ હથિયારોથી જાહેરમાં હત્યા થયા બાદ બીજી આવી ઘટના બનતા તંગદીલી વ્યાપી ગઈ છે.
સ્થિતિ તંગ બનતી જોઈને મેંગલુરુ જિલ્લાના સુરતકલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
પોલીસ પ્રશાસને શહેરના મુસ્લિમોને તેમના ઘરે જ આજે શુક્રવારની નમાજ અદા કરવા જણાવ્યું છે.
સુરતકલ મેંગલુરુ જિલ્લાની બહાર આવેલું છે. અહીં ગુરુવારે સાંજે ચાર-પાંચ અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરો દ્વારા 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી પરિણામે ભારે તંગદીલીનો માહોલ છે.
આવી જ હત્યાની ઘટના બે દિવસ પહેલા પણ બની હતી જેમાં દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં બીજેપી નેતા પ્રવીણ નેતારુને તેની દુકાનની સામે બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરોએ હત્યા કરી નાંખી હતી.
મેંગલુરુ પોલીસ કમિશ્નર એન શશિ કુમારના જણાવ્યા અનુસાર, 28 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે સુરતકલના કૃષ્ણપુરા કટિપલ્લા રોડ પર 23 વર્ષીય યુવક પર ચાર-પાંચ યુવકોએ ઘાતકી હુમલો કર્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. સુરતકલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સુરથકલ, મુલ્કી, બાજપે, પનામ્બુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટના પછીની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતકલમાં મોટા મેળાવડા પર પ્રતિબંધ લગાવવા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.