ચીનની વારંવારની ચેતવણી બાદ મંગળવારે સાંજે અમેરિકન સંસદના નીચલા ગૃહના પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીનું વિમાન તાઈવાન પહોંચ્યું હતું.
નેન્સી પેલોસીએ તાઈવાન પહોંચ્યા બાદ ટ્વિટ કર્યું હતું કે તાઈવાનની મુલાકાત લઈને અમે લોકશાહી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું સન્માન કરીએ છીએ. તાઈવાનની સ્વતંત્રતા અને તમામ લોકશાહીનું સન્માન કરવું જોઈએ તે વાતની પુનઃ પુષ્ટિ.
તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે ‘અમારા પ્રતિનિધિમંડળની તાઈવાનની મુલાકાત તાઈવાનની ગતિશીલ લોકશાહીને સમર્થન આપવા માટે અમેરિકાની અતૂટ પ્રતિબદ્ધતાનું સન્માન કરે છે. તાઈવાનના નેતૃત્વ સાથેની અમારી ચર્ચાઓ અમારા પાર્ટનર માટેના અમારા સમર્થનને પુનઃપુષ્ટ કરે છે અને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશને આગળ વધારવા સહિત અમારા સહિયારા હિતોને પ્રોત્સાહન આપે છે.
પેલોસીની મુલાકાત પર ચીનની ધમકીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર એરપોર્ટ પર અંધારું રાખવામાં આવ્યું હતું. તેના તાઈવાન આવ્યા બાદ ચીને તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી છે. ચીને કહ્યું છે કે અમેરિકાને આના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
આ દરમિયાન ચીને કહ્યું છે કે અમે અમારી સાર્વભૌમત્વની રક્ષા કરીશું. નેન્સીની તાઈવાનની મુલાકાત ઉશ્કેરણીજનક છે. આ સાથે ચીને તાઈવાન નજીક સૈન્ય અભ્યાસ શરૂ કરવાની વાત પણ કરી છે. ચીને 4 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી કવાયત હાથ ધરવાની વાત કરી છે. ચીને કહ્યું છે કે અમેરિકા ખતરનાક રમત રમી રહ્યું છે.