દેશમાં કરોડો અબજોના ખર્ચે વિકાસના કામો પ્રગતિમાં છે પણ કામમાં મોટાપાયે કૌભાંડ પણ થઈ રહ્યાનું સપાટી ઉપર આવી રહ્યું છે તેના તાજા ઉદાહરણમાં મધ્યપ્રદેશના ધાર જીલ્લાના ભરૂડપુરા અને કોઠીડા વચ્ચે કરમ નદી પર રૂ.304 કરોડના ખર્ચે બંધાઈ રહેલા ડેમમાં લીકેજ થયું હોવાના ચોંકાવનારા અહેવાલ છે અહીં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો છે.
શુક્રવારે ડેમની એક બાજુની માટી ધોવાઈ ગઈ હતી. જેના કારણે ડેમની દિવાલનો મોટો ભાગ તૂટી પડ્યો છે. સ્થિતિની ગંભીરતા જોતા
વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયુ છે અને ડેમની આસપાસના 18 ગામોને ખાલી કરાવી દીધા છે,આ ગામોમાં ધાર જિલ્લાના 12 ગામો અને ખરગોનના 6 ગામોના લગભગ 40 હજાર લોકો પ્રભાવિત થયા છે ઉપરાંત સંબંધિત સ્થિતિને પહોંચી વળવા એરફોર્સના બે હેલિકોપ્ટર અને આર્મીની એક કંપની સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
નદી પર આગ્રા-મુંબઈ નેશનલ હાઈવે-3નો એક પુલ છે જેમાં ડેમનું પાણી જવાની સ્થિતિ જોતા હાઇવે પર ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર કામે લાગ્યું છે.
રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જવાની શક્યતાઓ હોય વાહન ચાલકો અને લોકોને સચેત કરાઈ રહયા છે.
બીજી તરફ ડેમના પાણીને ખાલી કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ માટે ડેમની બાજુમાંથી કેનાલ કાઢવામાં આવી રહી છે જો,આ કાર્ય સફળ થશે તો હોનારત થતા અટકી જશે.