રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પડી રહેલા છુટા છવાયા ઝાપટાઓ વચ્ચે ફરી વરસાદી રાઉન્ડ શરૂ થશે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવા સાથે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ અને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા વરસાદમાં 194 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.55 ઈંચ વરસાદ અને મેઘરજ, મોડાસા, ઈડર, હિંમતનગર, માંગરોળમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે જ્યારે 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા માછીમારોને દરિયામાં નહિ જવા સૂચના અપાઈ છે.