ગુજરાતના રાજકારણમાં આજે ફરી વધુ મોટી ઘટના બનવા જઈ રહી છે અને આજે તા. 17મી ઓગસ્ટના રોજ પીઢ કોંગ્રેસીઓ નરેશ રાવલ અને રાજુ પરમાર સહિત તેમના સમર્થકો ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાશે.
આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો સાથે એક બેઠક પણ મળનાર છે ત્યારે આ કોંગ્રેસના પીઢ નેતાઓ ભાજપમાં જોડાઈ જશે.
આ બંને કોંગી નેતાઓએ આમતો ઘણા વખત પહેલાથી જ ભાજપમાં જોડાવાનું એલાન અને દિવસ ફિક્સ કરી દીધો હતો અને દિલ્લી જઈને PM મોદી સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો,
આ બન્ને નેતાઓ જાણીતા ચહેરા છે જેમાં કોંગ્રેસના નરેશ રાવલ પૂર્વ ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે,સાચી પરિસ્થિતિ સમજ્યા વગરજ કામ થાય છે.
કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે.
પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું અને ભાજપમાં કામ કરવાની મજા આવશે.
આમ, ભાજપમાં મોટાભાગના નેતાઓ હવે મૂળ કોંગ્રેસના જોવા મળી રહયા છે અને ગુજરાતમાં કોંગ્રેસનો લગભગ સફાયો થઈ ગયો છે અને કોંગ્રેસના જાણીતા મોટાભાગના ચહેરાઓ હવે ભાજપના ચહેરા બની ગયા છે.