વડોદરા જિલ્લાના સાવલીમાં રૂ.2.47 કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત કચેરીનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે લોકાર્પણ કર્યું હતું.
આ તકે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ અને ધારાસભ્ય કેતન ઈનામદાર હાજર રહયા હતા.
આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સાવલીમાં હવે અદ્યતન તાલુકા પંચાયત ભવન તૈયાર થતા હવે પ્રજાજનોને વધુ સુવિધાઓ સાથે ગામડાઓના વિકાસનું કેન્દ્રબિંદુ બની રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જનહિતના સપનાઓ સાકાર કરવા ગુજરાતમાં દરેક તાલુકા અને જિલ્લા મથકે નાગરિકોની સુવિધાઓ માટે અદ્યતન ભવનોનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી લોકોને વધુને વધુ સુવિધાઓ મળી રહે.
સીઆર પાટીલે કહ્યું કે સાવલી બેઠક 1 લાખ મતની લીડથી જીતાડવાની છે.જેની જવાબદારી હું તમને આપીને જઉં છું.
સીઆર પાટીલે ઉમેર્યું હતું કે ધારાસભ્ય કેતન ઈનામદારે સાવલી અને ડેસર તાલુકાના નાગરિકોનું હંમેશા હિત જોયું છે તેઓના પ્રયાસો થકી વડોદરા ડેરી દ્વારા ગત વર્ષ અને ચાલુ વર્ષ સહિત રૂ.99 કરોડ જેટલી માતબર રકમ ભાવ ફેર તરીકે પશુપાલકોને ચુકવવામાં આવી છે.