વડોદરાના સાવલી પાસેથી ડ્રગ્સની ફેક્ટરી પકડાયા બાદ આ પ્રકરણના મુખ્ય આરોપી એવા સુરતના મહેશ વૈષ્ણવના માર્વેલ લક્ઝરીયા સ્થિત લક્ઝુરિયસ ફ્લેટમાં થયેલી તપાસ દરમિયાન મહેશ વૈષ્ણવના ઘરેથી રોકડા 50 લાખ રૂપિયા મળી આવ્યા છે.
સુરતના મોટા વરાછા ઉતરાયણ ખાતે આવેલા માર્વેલ લક્ઝરીયા નામના બિલ્ડીંગમાં એ વિભાગમાં દસમાં માળે 1002 નંબરના ફ્લેટમાં રહેતા મહેશના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા છે જે પત્ની સાથે આલીશાન ફ્લેટમાં રહેતો હતો. આ દરમિયાન ડ્રગ્સ કેસમાં તેનું નામ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે એટીએસ અને એસઓજી દ્વારા મહેશ વૈષ્ણવના ઘરે સર્ચની કામગીરી થતા તેના ઘરેથી રોકડા રૂ.50 લાખ મળી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના સાવલીમાં ડ્રગ્સની ફેકટરી ચલાવનાર મહેશ વૈષ્ણવ અગાઉ વર્ષ 1997માં ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો. તેને સાત વર્ષની સજા થઈ હતી.
એમએસસી સુધીનો અભ્યાસ કરનાર મહેશ વૈષ્ણવ ડ્રગ્સ બનાવવામાં કુશળતા હાંસલ કરેલી છે.
સજા બાદ પણ તેણે ફરીથી મોટાપાયે ડ્રગસનો ધંધો શરૂ કર્યો હતો અને તેમાં આખરે ફરી પકડાઈ ગયો છે.