કોંગ્રેસમાં સિનિયર નેતાઓ હવે પાર્ટી છોડી રહ્યા છે, સિનિયર નેતાઓ અન્ય પાર્ટીમાં જોઇન થઈ રહયા છે અને કોંગ્રેસનું બધેજ ધોવાણ શરૂ થયું છે ત્યારે આ બધા વચ્ચે આજે 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે ગુલામ નબી આઝાદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા.
સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં ગુલામ નબી આઝાદે લખ્યું છે કે, ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે.
તેમણે વધુમાં લખ્યું છે કે જ્યારથી રાહુલ ગાંધીને જાન્યુઆરી 2013માં પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી કોંગ્રેસની પડતી શરૂ થઈ હતી અને રાહુલે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું હતું.
તેઓએ લખ્યું કે રાહુલે સિનિયર અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરવાનું શરૂ કર્યું અને બિનઅનુભવી લોકોનું નવું ગ્રુપ ઊભું કરવાનું શરૂ કરી તેઓએ કમાન હાથમાં લીધી પરિણામે કોંગ્રેસમાં અસંતોષ ઉભો થયો અને પાર્ટી તૂટવાનું શરૂ થયું.
ગુલામ નબી આઝાદ ની ભલામણોની અવગણના કરવામાં આવી રહી હોવાની વાત પણ તેઓ અગાઉ કરી ચૂક્યા છે.