રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય પક્ષોમાં પ્રચાર શરૂ થયો છે અને એકબીજા વિરોધી નિવેદનો સામે આવી રહયા છે ત્યારે સુરતના ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે વાઇબ્રન્ટ વિવર્સ એક્સપોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો.
આ પ્રસંગે હાજર રહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેજરીવાલનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, હમણાં હમણાં એક ભાઈ ગુજરાતમાં આવે છે અને મફત પાણીની વાત કરે છે. મફત વીજળી આપવાની વાત કરે છે પરંતુ એ વીજળી આપશે ખરાં ? એ પણ સવાલ છે.
ગુજરાતની જનતા આ વાત સામે ચેતી જાય તે જરૂરી છે, સી આર પાટીલે કહ્યું કે ગુજરાતમાં ટ્રીટેડ પાણીનો ભાવ એક રૂપિયો ને દસ પૈસા જેવો એક દિવસનો ભાવ થાય છે. આટલું સસ્તું ટ્રીટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી એટલે ગુજરાતની જનતાને ફ્રીમાં પાણી આપવાની લાલચ આ ભાઈ ન આપે તોજ સારું.
ભાઈ આવીને કહે છે કે અમે ફ્રીમાં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે કેમ તે વિચારવા જેવું છે.
ગુજરાતના યુવાઓને પણ નોકરીની લાલચ આપી છે. સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી.
આમ,તેઓએ કેજરીવાલનું નામ લીધા વગર જ આમ આદમી પાર્ટી દ્વારા અપાતા પ્રલોભનોને ફારસ ગણાવ્યા હતા.
