વડોદરાના વાઘોડિયા તાલુકામાં રહેતી ધોરણ-11માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી નવા આજવા ગામના સરપંચના પુત્ર અને એન્જિનીયરીંગ કોલેજમાં મિકેનીકલ એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિશાલ વિનોદભાઇ વસાવાએ સીમમાં શારીરીક સબંધ બંધાતા સગીરાએ પુત્રને જન્મ આપતા ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ લઈ આરોપી સરપંચ પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જે દિવસે સગીરા અને વિશાલે શારીરીક સબંધ બાંધ્યો હતો. તેના બે દિવસ બાદ ફરી વિશાલે સગીરાને ગામની સીમમાં બોલાવી હતી. અને ફરી શારીરીક સબંધ બાંધ્યો હતો. આમ બે વખત વિશાલે સગીરા સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો. તે વખતે વિશાલે સગીરાને જણાવ્યું કે, આપણા વચ્ચે બંધાયેલા શારીરીક સબંધોની કોઇને વાત કરતી નહિં. સમય જતા સગીરાને માસિક આવવાનું બંધ થઇ જતા તેણે આ વાત વિશાલને કરતા વિશાલે સગીરાને પોતે બાંધેલા શારીરીક સબંધ અંગેની વાત કોઇને નહી કરવા જણાવ્યું હતું.
દરમિયાન ગભરાઈ ગયેલી સગીરાએ ડરના કારણે પરિવારને આ અંગે જાણ કરી ન હતી. અને સ્કૂલમાં પણ જતી હતી જોકે,સમય જતાં પરિવારને આ અંગે જાણ થઇ ગઇ હતી. આબરું ન જાય તેવા ડરથી પરિવારે દીકરી સાથે દુષ્કર્મ આચરી કુંવારી માતા બનાવનાર સરપંચ પુત્ર વિશાલ વસાવા સામે પોલીસ ફરિયાદ કરી ન હતી.
દરમ્યાન બે દિવસ પહેલાં સગીરાને પેટમાં દુઃખાવો શરૂ થતાં તેના માતા-પિતા જે હોસ્પિટલમાં નોકરી કરે છે ત્યાં લઇ જતા સગીરાએ 2 કિલો 800 ગ્રામ વજનના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો.
માતા બનનાર સગીર હોઇ અને દુષ્કર્મનો ભોગ બનેલી હોવાથી હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ વાઘોડિયા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે વિશાલ વિનોદભાઇ વસાવા સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી હતી.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.