‘વિદ્યાર્થીકાળથી ઘૂસતું રાજકારણ શિક્ષણ માટે કલંક સમાન’
કોરોના હોવાના કારણે હવે બેવર્ષ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે કેમ્પસ છોડીને બહારના વિસ્તારોમાં પણ ઘર્ષણના બનાવો વધ્યા છે ત્યારે મધરાત્રે પોલીટેકનીક કોલેજની બહાર મારામારીની ઘટના બની હતી.
નેકની ટીમ રવાના થયા બાદ વિદ્યાર્થી સંગઠનોએ સંયમ ગુમાવ્યો હતો અને મધરાત્રે પોલીટેકનીક કોલેજ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ અને બીજેપીની વિદ્યાર્થી પાંખ એબીવીપી વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. અગાઉ એબીવીપી સાથે જોડાયેલો વિદ્યાર્થી હવે એનએસયુઆઇમાં જોડાયો છે તે હોસ્ટેલમાં રહેતો નહી હોવા છતાં કેમ્પસમાં આવતા એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા તું ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો છે અને એનએસયુઆઇનો પ્રચાર કરે છે તેમ કહીને માર મારતા તે વિદ્યાર્થીએ એનએસયુઆઇના પોલીટેનીકના જીએસ તથા અન્ય વિદ્યાર્થીઓને બોલાવી લીધા હતા. એનએસયુઆઇના આગેવાનોએ હોસ્ટેલના વિદ્યાર્થીઓને ધાકધમકી આપીને જતા રહ્યાં હતા. જેના કારણે એબીવીપી દ્વારા તેમના અગ્રણીઓને બોલાવ્યા હતા.
એનએસયુઆઇના વિદ્યાર્થીઓ 30થી 40 વિદ્યાર્થીઓના ટોળા સાથે ગયા હતા અને ત્યારબાદ બંને જૂથો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી. મધરાત્રે 1.30 વાગ્યાના સુમારે બંને જૂથો વચ્ચે પટ્ટા, દંડા વડે એકબીજા પર તૂટી પડયા હતા.
ત્યાં હાજર સિક્યુરીટી જવાનો પણ મજબુર બન્યા હતા. જોકે, હજુસુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.