રાજ્યભરમાં હાઈવે અને રોડ- રસ્તા તૂટી ગયા છે. મોટા મોટા ખાડાઓ અને તૂટેલા રોડ પર વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે અને વાહનમાં તોતિંગ ખર્ચ આવી રહયા છે ત્યારે ટ્રકના મોંઘા ટાયરો તૂટતા વધી રહેલા ખર્ચા સામે કંટાળી ગયેલા ટ્રકચાલકોએ આખરે રાજકોટમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોડ-રસ્તા રિપેર નહિ થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવીને પોતાનો વિરોધ નોંધાવવા રજુઆત કરી હતી.
ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું કહેવું છે કે ટોલટેક્સ પૂરેપૂરો ચૂકવવા છતાં રોડ-રસ્તાની પૂરતી સુવિધા મળતી નથી.
ખરાબ રોડ-રસ્તાને કારણે વાહનમાં નુકસાન તો થાયજ છે પણ નિર્ધારિત સ્થળે માલની સમયસર ડિલિવરી નહિ થતા આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે.
તૂટેલા રોડના કારણે ટાયર તૂટી જાય છે અને ડીઝલ વધુ વપરાય છે એટલુંજ નહી પણ ટ્રક ડ્રાઇવરને ડોક, મણકા, કમરમા દુખાવો થતા મેડીકલ ખર્ચ પણ આવે છે.
ટ્રક એસો દ્વારા અલ્ટીમેટમ અપાયું છે કે જો આગામી 8 દિવસમાં રોડ-રસ્તા રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ટોલટેક્સ નહીં ચૂકવીને તેનો વિરોધ કરવામાં આવશે.
રાજકોટથી શરૂ થયેલું આંદોલન રાજ્યભરમાં પ્રસરે તો નવાઈ નહિ.