રાજકોટ રેલવે ડિવિઝનના આરપીએફ સ્ટાફ દ્વારા મોટા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે જેમાં ભેજાબાજોએ નકલી IPએડ્રેસના આધારે અત્યારસુધી 28 કરોડ રૂપિયા ગજવે ઘાલ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે, આરપીએફ ટીમે વલસાડ-મુંબઈ સહિત અન્ય રાજ્યોમાંથી કુલ 6 વ્યક્તિની ધરપકડ કરીને રૂ.43 લાખની રેલવે ટિકિટ જપ્ત કરી છે. આ ઉપરાંત રાજકોટ અને વલસાડના મળી અન્ય કુલ 6 ઈસમો સામે તપાસ ચાલુ થઈ છે.
તમામ એજન્ટ આઈઆરસીટીસીનું લાઇસન્સ પણ ધરાવતા ન હતા, તેઓ ગેરકાયદે સોફ્ટવેરનો ઉપયોગ કરીને એડવાન્સ બુકિંગ અને તત્કાલ ટિકિટનું જથ્થામાં બુકિંગ કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે.
હ્યુમન ઇન્ટેલિજન્સે આપેલી બાતમીના આધારે પોલીસે રાજકોટના મન્નાન વાઘેલા અને કન્હૈયાગીરીની મુંબઈથી ધરપકડ કરાઈ છે.
પૂછપરછ દરમિયાન ગીરીએ તેના અન્ય સાગરીતો વાપી એડમિન/ડેવલપર અભિષેક શર્માના નામ જાહેર કર્યા હતા જેની ધરપકડ કરવામાં આવી હતી. અભિષેક શર્માએ ગેરકાયદે સોફ્ટવેરનો સંચાલક હોવાની કબૂલાત કરી છે.
રેલવેએ રૂ. 43,42,750ની કિંમતની 1688 ટિકિટ પણ જપ્ત કરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની કબૂલાતના આધારે, 3 વધુ આરોપીઓ- અમન કુમાર શર્મા, વિરેન્દ્ર ગુપ્તા અને અભિષેક તિવારીની અનુક્રમે મુંબઈ, વલસાડ (ગુજરાત) અને સુલતાનપુર (યુપી)માંથી ધરપકડ કરવામાં આવી હતી.
ભૂતકાળમાં આ આરોપીઓએ રૂ. 28.14 કરોડની ટિકિટ ખરીદી અને વેચી હોવાની વાત પણ સામે આવ્યું છે તેઓને મોટું કમિશન મળતું હોવાની વાત પણ ખુલી છે.
રેલવેમાં આ રીતે ચાલી રહેલા ટીકીટ કૌભાંડ છતાં તંત્રની નજર ન પડી તે વાત ભારે ચર્ચાસ્પદ બની છે.