અમેરિકાના રસ્તે ઇઝરાયેલ? નેતન્યાહુએ 9/11 પછીની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને પોતાનો હુમલો યોગ્ય ઠેરવ્યો
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કતારની રાજધાની દોહામાં હમાસના અધિકારીઓ પર થયેલા હુમલાનો બચાવ કર્યો છે. તેમણે આ હુમલાની સરખામણી 9/11ના આતંકી હુમલાઓ બાદ અમેરિકાએ કરેલી કાર્યવાહી સાથે કરી. નેતન્યાહુએ આતંકવાદીઓને આશ્રય આપતા દેશોને સ્પષ્ટ ચેતવણી આપી કે તેમને કાં તો બહાર કાઢો અથવા ન્યાયના કઠેરામાં લાવો, નહીં તો ઇઝરાયેલ કાર્યવાહી કરશે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં કતારની રાજધાની દોહામાં હમાસના અધિકારીઓ પર કરાયેલા હુમલાનો બચાવ કર્યો. તેમણે આ હુમલાની તુલના 9/11ના આતંકી હુમલાઓ બાદ અમેરિકાએ કરેલી કાર્યવાહી સાથે કરી. આ સાથે જ નેતન્યાહુએ એવા દેશોને પણ ચેતવણી આપી છે જે આતંકવાદીઓને આશ્રય આપે છે.
નેતન્યાહુએ કડક શબ્દોમાં કહ્યું કે, “તમે કાં તો તેમને બહાર કાઢો અથવા ન્યાયના કઠેરામાં લાવીને ઊભા કરો. જો તમે આવું નહીં કરો, તો પછી અમે કાર્યવાહી કરીશું.”
વડાપ્રધાન નેતન્યાહુનો વિડીયો સંદેશ
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વિડીયો સંદેશમાં જણાવ્યું કે, “7 ઓક્ટોબરનો હુમલો ઇઝરાયેલ માટે 9/11 જેવો હુમલો છે.” નેતન્યાહુએ આતંકવાદીઓને આશ્રય આપવા અને આર્થિક મદદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “હું કતાર અને તે બધા દેશોને કહું છું જે આતંકવાદીઓને આશ્રય આપે છે; કાં તો તેમને બહાર કાઢો, અથવા તેમને ન્યાયના કઠેરામાં લાવીને ઊભા કરો.” નેતન્યાહુએ ફરીથી ચેતવણી આપી કે જો તેઓ આવું નહીં કરે તો ઇઝરાયેલ કાર્યવાહી કરશે.
નેતન્યાહુએ 9/11 હુમલાની યાદ અપાવી
અહેવાલ મુજબ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના ન્યૂયોર્કમાં થયેલા 9/11 હુમલાની સરખામણી કરતાં કહ્યું કે, “તે આતંકી હુમલા બાદ અમેરિકાએ અલ-કાયદા વિરુદ્ધ વૈશ્વિક લડાઈ શરૂ કરી હતી અને ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઠાર માર્યો હતો.” તેમણે કહ્યું કે ઇઝરાયેલે પણ તે જ કર્યું જે તે સમયે અમેરિકાએ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે પોતાના વિડીયો સંદેશમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તે પ્રસ્તાવનો પણ ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ દેશ આતંકવાદીઓને આશ્રય આપી શકે નહીં.
ઇઝરાયેલના હુમલા પર કતારની પ્રતિક્રિયા
આ દરમિયાન ઇઝરાયેલના હુમલા પર કતારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કતારે ઇઝરાયેલની સખત ટીકા કરી છે અને તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો છે. કતારે કહ્યું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે અને તેના નાગરિકો અને નિવાસીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે.