આજના મોંઘવારીના યુગમાં જો હોસ્પિટલનો મોટો ખર્ચ આવી જાય તો બચેલી મૂડી સાફ થઈ જાય છે અને તેથીજ હોસ્પિટલમાં આવતો સારવારનો તોતિંગ ખર્ચથી બચવા લોકો મેડિકલેમ કરાવતા હોય છે પણ જો આવા સંજોગોમાં મેડિકલેમ પાસ ન થાય તો સામાન્ય માણસ મોટા ખર્ચમાં આવી બરબાદ થઈ જતો હોય છે પણ જો તમે સાચા હોયતો લડત આપીને ન્યાય મેળવી શકો છો આવા એક કિસ્સામાં વલસાડના યુવકે લડત આપી ન્યાય મેળવ્યો છે.
વલસાડના એક યુવાને કોરોનાની બિમારીનો મેડિક્લેમ મેક્સ બુપા કંપનીએ રિજેક્ટ કરતા યુવાને જાતે જ ફોરમમાં ફરિયાદ કરી જાતેજ કેસ લડ્યો હતો.
આ કેસમાં ફોરમે ફરિયાદી યુવાન તરફે ચૂકાદો આપી મેક્સ બુપા કંપનીને રૂ. 88,177 ની રકમ 7 ટકા વ્યાજે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
વિગતો મુજબ વલસાડ ખાતે રહેતા અનુજ ચંદુલાલ ગોહિલે ગત પોલિસી બજાર પરથી ઓનલાઇન મેક્સ બુપા કંપનીની હેલ્થ પોલીસી લીધી હતી. તેણે રૂ.10,678 નું પ્રિમિયમ પણ ભર્યું હતુ. જેની અવધી 5-9-20 થી 4-9-21 સુધીની હતી.
દરમિયાન કોરોના સમયમાં યુવાન કોરોનામાં સપડાયો હતો યોગાનુયોગ પોલીસીમાં કોરોનાની બિમારી પણ સમાવિષ્ટ હોય અને કંપનીએ હેલ્થ ક્લેમ 30 મિનિટમાં મંજૂર થશે એવા મોટા દાવા કર્યા હોય યુવકે કોરોનાની બિમારીમાં થયેલું હોસ્પિટલનું રૂ. 88,177 ના બિલ મોકલતા કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો હતો પરિણામે અનુજ ગોહિલે કંપનીને પાઠ ભણાવવાનું નક્કી કરી પોલિસી બજાર ઇન્સ્યોરન્સ બ્રોકરેજ પ્રા. કં. લિ. ગુરગાંવ હરિયાણા, મેક્સ બુપા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની લિ. દિલ્હી અને તેની સુરત સ્થિત બ્રાન્ચ ઓફિસ વિરૂદ્ધ વલસાડ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કાયદેસરની ફરિયાદ કરી હતી.
આ ફરિયાદમાં તેમણે પોતાના હોસ્પિટલ બિલ તેમજ વિવિધ મેડિકલ રિપોર્ટ મુક્યા હતા. જે સાચા હતા. આ કેસમાં અનુજે જાતે જ કોર્ટમાં દલીલ કરી હતી. ત્યારે આ કેસ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ચાલતા ફોરમના પ્રમુખ બી.જી.દવે, સભ્યો વી.બી.વર્મા અને બી.બી.વકિલે અનુજની ફરિયાદ ગ્રાહ્ય રાખી મેક્સ બુપા કંપનીને રૂ. 88,177 અનુજને 7 ટકાના વ્યાજ સાથે ચુકવી આપવાનો આદેશ કર્યો હતો. તેમજ તેને શારિરીક અને માનસિક ત્રાસના રૂ. 2500 ચૂકવી આપવા આદેશ કર્યો હતો.
સત્યડેના કાર્યાલય ઉપર આવી અનુજે આ માહિતી આપી હતી અને અન્ય લોકોમાં જાગૃતિ આવે તે માટે પોતાનો અનુભવ શેર કર્યો હતો.