કપાલેશ્વર શિવ મંદિર: જ્યાં નંદી નથી, છતાં પાપોનો નાશ થાય છે
મહારાષ્ટ્રના નાસિક શહેર નજીક, પંચવટીમાં સ્થિત કપાલેશ્વર શિવ મંદિર એક અદ્ભુત અને રહસ્યમય ધાર્મિક સ્થળ છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ભગવાન શિવના દર્શન કરતી વખતે તમને તેમની સામે વાહક નંદી દેખાશે નહીં. પૌરાણિક કથાઓ અને ધાર્મિક ગ્રંથો અનુસાર, આ સમગ્ર બ્રહ્માંડનું એકમાત્ર શિવ મંદિર છે જ્યાં નંદીની પ્રતિમા સ્થાપિત નથી. ભક્તો માને છે કે આ મંદિરના દર્શન માત્રથી જ તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ મંદિર સાથે જોડાયેલી કથા પવિત્ર પદ્મ પુરાણમાં ઋષિ માર્કંડેય દ્વારા વર્ણવવામાં આવી છે.
કથા અનુસાર, ભગવાન બ્રહ્માના પાંચમા મુખે અહંકાર અને ઈર્ષ્યાવશ ભગવાન વિષ્ણુ અને શિવજીની નિંદા કરી. જેનાથી ક્રોધિત થઈને ભગવાન શિવે તેમનું પાંચમું મુખ કાપી નાખ્યું. આ કૃત્યથી ભગવાન શિવને પસ્તાવો થયો અને તેમણે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે સમગ્ર ભારતમાં યાત્રા કરી.
થાકેલા શિવજી નાસિકના પંચવટી ખાતે દેવ શર્મા નામના બ્રાહ્મણના ઘરે આરામ કરવા રોકાયા. ત્યાં તેમણે નંદી (એક સફેદ બળદ) અને તેની માતા વચ્ચેની વાતચીત સાંભળી. નંદીએ ગુરુના અત્યાચાર અને પાપોમાંથી મુક્તિ માટે પવિત્ર નદીઓના મહત્વ વિશે વાત કરી. બીજા દિવસે, નંદીએ અજાણતા જ દેવ શર્મા બ્રાહ્મણ પર હુમલો કરી દીધો, જેના કારણે બ્રાહ્મણનું મૃત્યુ થયું. આ ઘટનાથી નંદીનો સફેદ રંગ કાળો થઈ ગયો, જે તેના ગંભીર પાપનું પ્રતીક હતું.
પાપોથી મુક્તવવા નંદી પંચવટી સ્થિત ગોદાવરી નદીના સંગમ
(જ્યાં અરુણા, વરુણા અને અદ્રશ્ય સરસ્વતી મળે છે) તરફ દોડ્યો. પવિત્ર જળમાં સ્નાન કરતાં જ તેનો કાળો રંગ દૂધિયા સફેદ થઈ ગયો અને તે સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયો. ભગવાન શિવ આ ઘટનાના સાક્ષી હતા. તેમણે પણ ગોદાવરીમાં સ્નાન કર્યું અને નજીકના રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કર્યા. ત્યારબાદ, તેમણે એક ટેકરી પર શિવલિંગ સ્થાપિત કર્યું અને તપસ્યા શરૂ કરી. ભગવાન વિષ્ણુએ સ્વયં ત્યાં એક કાયમી શિવલિંગ સ્થાપિત કર્યું અને તેનું નામ કપાલેશ્વર રાખ્યું, જેનો અર્થ થાય છે ‘પાપ પર વિજય મેળવનાર દેવતા’.
નંદીએ ભગવાન શિવને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિનો માર્ગ બતાવ્યો
હોવાથી, ભગવાન શિવે નંદીને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા. પોતાના ગુરુ પ્રત્યેના આ અતૂટ આદરને કારણે, શિવે મંદિરમાં નંદીને શિવલિંગની સામે સ્થાપિત ન કર્યા. આ પરંપરા આજે પણ યથાવત છે.
ભક્તો માને છે કે કપાલેશ્વર મંદિરમાં દર્શન કરવાથી ૧૨ જ્યોતિર્લિંગના દર્શન જેટલું પુણ્ય મળે છે. ભગવાન ઇન્દ્ર અને ભગવાન રામ પણ અહીં દર્શન માટે આવ્યા હોવાની દંતકથા પ્રચલિત છે. આ મંદિર શ્રાવણ મહિના અને મહાશિવરાત્રી દરમિયાન ખાસ કરીને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.