ગુજરાતનાં સાત મહાનગરમાં અગામી તા. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોમ્બર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અમદાવાદમાં મોટેરા ખાતે PM નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરશે.
12 દિવસ સુધી ગુજરાત સ્પોર્ટ્સ સ્ટેટ બનશે, જેમાં અમદાવાદમાં સૌથી વધારે 16 જેટલી રમતો આઠ જેટલાં સ્થળોએ યોજાવવાની છે.
સાબરમતી રિવરફ્રન્ટ, કેન્સવિલે, કાંકરિયા ટ્રાન્સેડિયા સ્ટેડિયમ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, સંસ્કારધામ, રાઇફલ કલબ અને ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમતો યોજાશે.
નેશનલ ગેમ્સને લઈ અમદાવાદના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે અને એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. રમતનાં તમામ સ્થળો પર સીસીટીવી કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવશે. દરેક લોકેશન પર સાઈન બોર્ડ પણ મૂકવામાં આવશે. નેશનલ ગેમ્સના સેલ્ફી પોઇન્ટ પણ દરેક રમતના સ્થળ પર મુકાશે. દરેક રમતવીરને લાવવા લઈ જવા માટે અમદાવાદમાં 200 જેટલી ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવનાર છે.
દરમિયાન આ અગાઉ ભવ્ય સ્પોર્ટ્સ કાર્નિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે.
15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પ્રકારની રમતો, લાઈવ મ્યુઝિકલ ઇવેન્ટ, ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ચાર દિવસ યોજાનારા સ્પોર્ટ્સ કાર્નિવલમાં અમદાવાદીઓ કબડ્ડી, જુડો, મલખમ, સ્કેટિંગ, ફૂટબોલ વગેરે જેવી રમતો જોવાની મજા માણી શકશે. નેશનલ ગેમ્સ મેસકોર્ટ, ફૂડ કોર્ટ, સેલ્ફી પોઇન્ટ પણ ઊભો કરવામાં આવશે.
નેશનલ ગેમ્સ યોજાય એ પહેલાં ખેલાડીઓ પ્રોત્સાહિત તેમજ પ્રમોશન માટે પ્રીઇવેન્ટ તરીકે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ચાર દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલમાં નામાંકિત કલાકારો દ્વારા ચાર દિવસ લાઈવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ, સ્પોર્ટ્સ થીમ આધારિત પર્ફોર્મન્સ, વેસ્ટર્ન ડાન્સ પર્ફોર્મન્સ, વિવિધ રમતો, ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
સાંજે 5 વાગ્યાથી રાત્રે 8.30 વાગ્યા દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ કાર્નિવલમાં લોકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. સ્કૂલ-કોલેજ અને રાજ્ય લેવલે રમી ચૂકેલા વિવિધ ખેલાડીઓ કબડ્ડી, જુડો, મલખમ જેવી રમતોમાં ભાગ લેશે. યોગા, ઝુમ્બા, એરોબિક્સ વગેરે પણ પર્ફોર્મન્સ કરવામાં આવનાર છે.