ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ વિપક્ષના નેતા માઈકલ લોબોએ કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં ભેળવી દેવાનો નિર્ણય લેવાયો હતો.
ગોવા બીજેપી અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. તેમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓના નામ સામેલ છે.
40 બેઠકો ધરાવતી ગોવા વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 20 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો છે. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાય છે તો કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો જ બચશે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ જશે.