ગીરગઢડાના ખીલાવડ ગામે સીમમાં આવેલા કૂવામાં સિંહ પડી જતા તેને ગ્રામજનો અને જંગલ ખાતાની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યો હતો.
વિગતો મુજબ ખીલાવડ પોપટભાઇ હિરપરાની વાડીમાં પાણી ભરેલા કુવામાં સિંહ ખાબકતા સિંહે જીવ બચાવવા ગર્જના ઉપર ગર્જના ચાલુ કરી દેતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને આ અંગે ખેડૂત પોપટભાઇએ જશાધાર રેન્જના અધિકારી ભરવાડને જાણ કરતા રેસ્ક્યુ ટીમના પ્રતાપભાઇ ખુમાણ સહીતનો સ્ટાફ ખીલાવડ ગામે દોડી આવ્યો હતો અને સિંહને કુવા માંથી બહાર કાઢવા તજવીજ શરૂ કરી હતી અને બપોરના 2.15થી સાંજના 5 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દોરડાથી બાંધી સિંહને સલામત રીતે બહાર કાઢી પાંજરે પુરી તાત્કાલીક સારવાર અર્થે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટના જોવા ગ્રામજનોના ટોળે ટોળા સ્થળ ઉપર દોડી આવ્યા હતા.