વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીના મહિલાનાં સગાઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે છુટ્ટાહાથની મારામારી અને ઝપાઝપીનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગઇ હતી,સોનોગ્રાફી વિભાગના ગાર્ડ અને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી
આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને યોગ્ય જવાબ ન મળતાં અને સમયસર સારવાર ન મળવાના કારણે દર્દીઓના સગાઓ રોષે ભરાતા હોવાના બનાવ વારંવાર બની રહ્યા હોવાની ફરિયાદો અગાઉ થી જ ઉઠી રહી છે.
આવીજ એક સામાન્ય બાબતમાં સોનોગ્રાફી વિભાગ દ્વારા દર્દીને યોગ્ય જવાબ ન મળતા મહિલાઓ અને સિક્યોરિટી વચ્ચે મારામારી થતા ભારે ચકચાર મચી હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ સયાજી હોસ્પિટલમાં એક મહિલા સોનોગ્રાફી માટે આવી હતી પણ સોનોગ્રાફી વિભાગ દ્વારા આ મહિલા કલાકો સુધી બેસાડી રાખી હતી પરિણામે આ મહિલાએ સબંધિત તબીબને ફરિયાદ કરતા મહિલાની ફરિયાદ સાંભળી તબીબ જાતેજ સોનોગ્રાફી વિભાગ જઇને મહિલાની સોનોગ્રાફી કરવા માટે સૂચના આપી હતી પરંતુ તબીબની સૂચના પછી પણ અડધો કલાક સુધી મહિલાની સોનોગ્રાફી ન થતાં મહિલા પુનઃ સોનોગ્રાફી વિભાગમાં ગઇ હતી અને સોનોગ્રાફી માટે વાત કરતા ત્યાં હાજર કર્મચારીઓએ ઉદ્ધતાભર્યો જવાબ આપી પંદર દિવસ પછી આવવા જણાવતા મહિલા દર્દી અને તેઓની સાથે આવેલી મહિલા રોષે ભરાતા ઘર્ષણ થયું હતું.
આમ,અહીં હોસ્પિટલના સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડે ભેગા થઈ મહિલા દર્દી સાથે ઉદ્ધતાઇ ભર્યું વલણ અપનાવી વાત મારામારી સુધી પહોંચતા સંસ્કારી નગરીમાં આ વાત ભારે ચર્ચાનો વિષય બની હતી.