ઈરાનમાં હિજાબનો વિરોધ કરવા બદલ ધરપકડ કરાયેલી 22 વર્ષની યુવતી મહેસા અમીનીને ત્રાસ આપતા તેના થયેલા મોત બાદ દેશભરમાં યુવતીના મૃત્યુના વિરોધમાં, મહિલાઓએ તેમના હિજાબ ઉતારી ફેંકી દીધા અને કેટલીય યુવતીઓએ જાહેરમાં હિજાબ સળગાવી દીધા અને પોતાના વાળ કાપ્યા પછી શરૂ થયેલા સામૂહિક પ્રદર્શનો હિંસક બન્યા હતા જેમાં પાંચ માર્યા ગયા છે
ઈરાનનું દિવાંદરેહ શહેર કુર્દિશ પ્રદેશનો એક ભાગ છે જ્યાં હાલ પ્રદર્શનો થઈ રહ્યા છે.
અહીં મંગળવારે અમીનીના મોતના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા ટાયર સળગાવ્યા હતા અને અનેક જગ્યાએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અમીની કુર્દીસ્તાનની હતી તેથી અહીં હિંસા ફાટી નીકળી હતી અને ઘણી જગ્યાએ આગચંપી થઈ હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયરગેસના શેલ અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
હિંસક વિરોધ પ્રદર્શનમાં પાંચ લોકો માર્યા ગયા બાદ વિવાદાસ્પદ પોલીસ વડા કર્નલ અહેમદ મિરઝાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ સિવાય તેહરાન અને મશહાદ શહેરમાં પણ યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અનેક છોકરીઓએ તેમના હિજાબ જાહેરમાં ઉતારી ફેંકી દઈ કાયદાનો વિરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ઈસ્લામિક રિપબ્લિકમાં ડ્રેસ કોડ લાગુ છે.જેમાં મહિલાઓ માટે જાહેરમાં હિજાબ પહેરવાનું ફરજિયાત છે અને ચુસ્ત કપડા અથવા શરીર દેખાય તેવા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદથી અમલમાં આવેલા આ નિયમોનું ત્યાંની સ્થાનિક પોલીસ પાલન કરાવી રહી છે જેનો હવે યુવતીઓ જાહેર વિરોધમાં કરી રહી છે તેઓનું કહેવું છે કે જમાનો બદલાયો છે અને ક્યાં સુધી જૂના જમાનાના ખ્યાલોમાં રહેવાનું અને સ્વતંત્ર વિચારો અમલમાં હોવા જોઈએ