રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય નહિ ચૂકવતાં આખરે આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબુલ જીવોને રસ્તા ઉપર છોડી મૂક્તા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૌશાળા પાંજરાપોળોમાં પશુઓના નિભાવ માટે જે દાન આવતું હતું તે હવે બંધ થઈ જતાં પાંજરાપોળ ચલાવવાનું અઘરું બની જતા આખરે સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગણી કરતા સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી.
જોકે છ મહિના વીતી ગયા બાદ પણ સરકારે જાહેર કરેલી સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા છેલ્લે સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટીમેટ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકાર તરફથી કોઈજ પ્રતિસાદ નહિ મળતા પશુઓ ના નિભાવ માટે વ્યવસ્થા નહિ થતાં આખરે આજે વહેલી સવારે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને જાહેરમાં છોડી મુકતા ભારે અફરતફરીનો માહોલ સર્જાયો છે.