Kutch News ૬૧ વર્ષિય પરસોત્તમ મનજીભાઈ છાભૈયા (પટેલ)ને ઢોંગી મહંત પર ભરોસો રાખવો ભારે પડી ગયો છે. ઘરનું ધન ડબલ કરવાની લાલચમાં પરસોત્તમભાઈએ ઘરમાં હતું તે ૨૨ લાખની રોકડ સહિત તમામ ધન રાતોરાત ગુમાવ્યું છે.
પિંગલેશ્વર મહાદેવ આશ્રમના મહંત તરીકે પરિચય કેળવેલો
ભચાઉ તાલુકાના સંગમનેર ગામના 61 વર્ષીય વૃદ્ધ પરસોત્તમ મનજીભાઈ છાભૈયા (પટેલ) તા. ૧૯ ઓગસ્ટ 2025ના સવારના ભાગે ગામના મંદિરના ઓટલે બેઠા હતા ત્યારે એક મારુતિ સ્વિફ્ટ કાર ત્યાં આવીને ઉભી રહી અને તેમાંથી ભગવા વસ્ત્રો ધારણ કરેલો સાધુ ઉતરીને પરષોત્તમભાઇ પાસે આવ્યો હતો. સાધુએ પોતે અબડાસા તાલુકાના નલિયા પાસે આવેલા પિંગલેશ્વર મહાદેવ આશ્રમનો મહંત હોવાનું તેમજ પોતે હાલ જૂનાગઢ જતો હોવાનું કહીને પરસોત્તમભાઈને કાળો પીવડાવવાનું કહ્યુ હતું.
તેથી પરસોત્તમભાઈ પોતાના ઘરેથી કાળો બનાવીને સાધુને પીવડાવ્યો હતો. કાળો પીને સાધુ કાર લઈને ચાલ્યો અને જતી વેળાએ પરસોત્તમભાઈના મોબાઈલ નંબર પણ સાથે લેતો ગયો હતો.
તમારું દુઃખ દૂર કરવા ભગવાને મને નિમિત્ત બનાવ્યો
સાધુએ બીજા દિવસે પરસોત્તમભાઈને ફોન કરીને કહ્યું કે, ‘રાત્રે મને તમારા વિશે સપનું આવ્યુ હતું. જેમાં તમારું દુ:ખ દૂર કરવા માટે કુદરતે મને નિમિત્ત બનાવ્યો હોય તેવું મને લાગે છે’ સાધુએ કહ્યું કે ‘તમારા ખેતરમાં વિધિ કરવી પડશે’ તેમ કહીને એક માટલું, ચોખા, અગરબત્તી સહીતની વસ્તુઓ તૈયાર રાખજો અને પોતે કાલે આવીને મળશે તેમ કહ્યું હતું.
બીજા દિવસે સાધુએ પરસોત્તમભાઈને ફોન કરીને ગામના પાટિયે બોલાવ્યો હતો. પરસોત્તમભાઈ માટલું અને અન્ય સા
ચીજવસ્તુઓ સાથે સાધુની કારમાં બેસીને તેના કહ્યા મુજબ તેને પોતાના સુખપર ગામની સીમમાં આવેલા ખેતરે લઈ ગયા હતા.
સાધુએ પરસોત્તમભાઈને ખેતરના શેઢે જઈને ખાડો ખોદાવીને માટલું દટાવેલું અને તેના પર અગરબત્તી કરી મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ કરી હતી.
ભગવાન સ્વયં તમારા પર પ્રસન્ન થયાં છે. તમને કંઈક આપવા માગે છે
સાંજે સાધુએ પરસોત્તમભાઈને ફોન કરીને જ્યાં માટલું દાટ્યું છે ત્યાં જઈને માટી હટાવીને તપાસ કરવાનું કહેતા પરસોત્તમભાઈએ ખેતરે જઈને માટલાં પરની માટી હટાવી તો ત્યાંથી રાધાકૃષ્ણની મૂર્તિ, શેષનાગવાળા લક્ષ્મીનારાયણની મૂર્તિ અને સિલ્વર કલરના ૧૫ નંગ સિક્કા જોવા મળ્યા હતા. તેથી પરસોત્તમભાઈએ તુરંત સાધુને ફોન કર્યો તો સાધુએ જણાવ્યું કે ‘ભગવાન સ્વયં તમારા પર પ્રસન્ન થયાં છે. તમને કંઈક આપવા માગે છે. તમારા ખેતરમાં લક્ષ્મીનો વાસ છે. તમે ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા વગેરે ધન આ રીતે વાડીમાં દાટીને રાખશો તો તે ડબલ થઈને બહાર નીકળશે’
સાધુની વાતોમાં આવી જઈ ઘરમાં રહેલા ખેતીના રૂપિયા અને દાગીના દાટી આવ્યા
માટલાંમાંથી મૂર્તિઓ અને ચાંદીના સિક્કા નીકળતાં પરસોત્તમભાઈએ તેને ચમત્કાર માની લીધો અને બેઠેલા. સાધુની વાતોનો ભરોસો કરીને ઘરમાં ખેતી પાકની આવકના રહેલા રૂ. ૨૨ લાખ રોકડાં અને ચાર લાખનું સોનાનું મંગળસૂત્ર, ચાર લાખનો માતાનો હાર, પોંચી, ૬.૭૦ લાખની સોનાની ૯ વીંટી, ૧૦ લાખના મૂલ્યનું ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કીટ, દોઢ લાખની ચેઈન વગેરે ઘરેણાં મળી કુલ પર.૨૦ લાખ રૂપિયાની માલમતા ડબ્બામાં મૂકી, વાડીના શેઢે ખાડો કરીને દાટી દીધા હતા.
સાધુએ ૧૧ સપ્ટેમ્બર સુધી રોજ સવાર સાંજ અહીં અગરબત્તી કરવા કહેલું તે મુજબ અગરબત્તી પણ કરી હતી. તા.૧૧ મી સપ્ટેમ્બરે પરસોત્તમભાઈએ સાધુને ફોન કરતા તેણે ઉપાડ્યો નહોતો. ફરી ફોન કર્યો તો સ્વિચ ઓફ્ફ થઈ ગયેલો.
શંકા જતા ફરિયાદીએ ખેતરે આવીને દાટેલો ડબ્બો બહાર કાઢીને ચેક કરતાં ડબલ ધન નીકળવાના બદલે જે ધન રાખ્યું હતું તે પણ ગાયબ થઈ ગયું હતું. જોકે પરસોત્તમભાઈએ સાધુનો ફોનમાં ફોટો પાડી લીધો હતો. તેના આધારે પિંગલેશ્વર આશ્રમમાં તપાસ કરતાં આવો કોઈ વ્યક્તિ આશ્રમનો મહંત ના હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું સ્પષ્ટ કે ઢોંગી સાધુ એ ચિરઇ ગામનો છે
પરસોત્તમભાઈએ પોલીસની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું કે આ શખ્સ મૂળ ભચાઉના વાદીનગરનો અને હાલ ચીરઈ રહેતો રમેશનાથ વાદી છે. તેથી દુધઈ પોલીસે BNS કલમ ૩૧૬ (૨), ૩૦૫, ૩૩૧ (૩) અને ૩૩૧ (૪) હેઠળ ફરિયાદ દાખલ કરી, પીઆઈ આર.આર. વસાવાએ તપાસ હાથ ધરીને આરોપીને પોલીસે પકડી પણ પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.