પ્રારંભિક જીવન અને સંગીતનો આરંભ
ઝુબીન બોરઠાકુરનો જન્મ 18 નવેમ્બર, 1972ના રોજ મેઘાલયના તુરા શહેરમાં થયો હતો. તેઓ સંસ્કારથી જ સંગીતપ્રેમી હતા. તેમના પિતા મોહિની મોહોન બોરઠાકુર કવિ અને ગીતકાર હતા જ્યારે માતા ઇલી બોરઠાકુર ગાયિકા હતા. બાળપણથી જ સંગીતનો માહોલ મળ્યો અને ત્રણ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. ઝુબીન બહુ-વાદ્યવાદક હતા અને તબલા, ગિટાર, દોતારા, ઢોલ તથા હાર્મોનિકા સહિત 12થી વધુ વાદ્યોમાં નિષ્ણાત બન્યા.
સંગીત કારકિર્દી
1992માં આસામી આલ્બમ અનામિકા સાથે તેમણે વ્યાવસાયિક સફર શરૂ કરી, જે આસામના યુવાનોમાં અત્યંત લોકપ્રિય બન્યું. બોલીવુડમાં તેમને 2006ની ફિલ્મ ગેંગસ્ટરના ગીત “યા અલી” દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. આ ગીતે તેમને શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ અપાવ્યો અને તેઓ દેશભરમાં લોકપ્રિય થયા. બાદમાં કાંતે, નમસ્તે લંડન અને ક્રિશ 3 જેવી ફિલ્મોમાં પણ તેમના અવાજે દર્શકોનું દિલ જીતી લીધું.
ઝુબીન ગર્ગે તેમની કારકિર્દીમાં 40થી વધુ ભાષાઓ અને બોલીઓમાં ગીતો ગાયા. તેમ છતાં તેઓ હંમેશા પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યા અને આસામી સંગીત અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપતા રહ્યા. બંગાળી સિનેમામાં પણ તેઓ ગાયક તથા સંગીત દિગ્દર્શક તરીકે સક્રિય રહ્યા.
ફિલ્મ જગત અને દિગ્દર્શન
ગાયક હોવા છતાં ઝુબીન માત્ર સંગીત સુધી મર્યાદિત રહ્યા ન હતા. તેમણે અભિનય અને દિગ્દર્શનમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું. 2000માં તુમી મુર માથો મુરથી તેમણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. તેમની દિગ્દર્શિત ફિલ્મો મિશન ચાઇના (2017) અને કંચનજંઘા (2019) વ્યાપારી રીતે સફળ રહી. ખાસ કરીને કંચનજંઘા આસામમાં ભ્રષ્ટાચારના મુદ્દાને કેન્દ્રમાં રાખતી હતી. 2008માં આવેલી મોન જાય ફિલ્મને આસામીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
સામાજિક કાર્ય અને પરોપકાર
ઝુબીન માત્ર કલાકાર જ નહોતા, પરંતુ એક જાગૃત સામાજિક અવાજ પણ હતા. તેઓ પર્યાવરણીય મુદ્દાઓથી લઈને પૂર રાહત અને વંચિત સમુદાયોની મદદમાં હંમેશા આગળ રહ્યા. તેમની કલાગુરુ આર્ટિસ્ટ ફાઉન્ડેશન દ્વારા અનેક પરોપકારી કાર્યો હાથ ધરાયા.
CAA (નાગરિકતા સુધારા કાયદા) વિરોધ પ્રદર્શનો દરમિયાન તેઓ એક અગ્રણી બિન-રાજકીય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, “હું મરી જઈશ પણ આસામમાં નાગરિકતા સુધારા કાયદાને સ્વીકારીશ નહીં.” તેમના આ વલણને કારણે તેઓ આસામના યુવાનોમાં પ્રેરણાસ્ત્રોત બન્યા.
વિવાદો
ઝુબીન ગર્ગનો સ્પષ્ટવક્તા સ્વભાવ તેમને અનેક વખત વિવાદોમાં લાવ્યો. બ્રાહ્મણો અને ભગવાન કૃષ્ણ વિશે આપેલા તેમના નિવેદનો ચર્ચામાં રહ્યા. રાષ્ટ્રધ્વજને લઈને પણ તેમના વિરુદ્ધ FIR નોંધાઈ હતી. છતાં પ્રશંસકો તેમને હંમેશા નિર્ભય અને નિખાલસ કલાકાર તરીકે જ યાદ રાખે છે.
વારસો
ઝુબીન ગર્ગનો અવાજ માત્ર આસામમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુંજ્યો હતો. તેમની કળા, સંગીત અને સામાજિક પ્રતિબદ્ધતા તેમને એક અનોખું સ્થાન આપે છે. સંગીતપ્રેમીઓનું કહેવું છે કે “ઝુબીન ગર્ગ નથી રહ્યા, પરંતુ તેમનો અવાજ અને વારસો હંમેશા જીવંત રહેશે.”