હજુતો ઉત્તરાયણ પર્વ તા.14 જાન્યુઆરી ના રોજ છે પણ એક મહિના અગાઉથી જ શહેરમાં ઠેરઠેર પતંગ ઉડાડવાનું શરૂ થતાં કાતિલ દોરી જીવલેણ સાબિત થઈ રહી છે અને કાતિલ દોરીએ નેશનલ કક્ષાના હોકી પ્લેયરનો ભોગ લીધો હોવાની કરૂણ ઘટના પ્રકાશમાં આવી છે.
વિગતો મુજબ દંતેશ્વર વિસ્તારમાં ભાથુજી પાર્ક ખાતે રહેતા 30 વર્ષીય યુવાન રાહુલ બાથમ નેશનલ હોકી પ્લેયર છે અને હાલ એક ખાનગી સંસ્થામાં નોકરી કરે છે જેઓ છ વાગ્યાના અરસામાં નવાપુરા પોલીસ મથક પાસેથી બાઈક લઈને પસાર થઇ રહયા હતા ત્યારે પતંગના દોરી ગળામાં આવી જતા તેમનું ગળું પતંગના દોરાથી ખૂબ અંદર સુધી કપાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયેલા રાહુલને 108 દ્વારા સ્થાનિક લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યા તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે નંબર પ્લેટ પરથી એડ્રેસ મેળવી તેઓના ઘરે જાણ કરતા મૃતકના માતા અને સ્વજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
રવિવારે બપોરે માતાને આવું છું કહીને ઘરેથી નીકળેલા રાહુલનું અચાનક આ રીતે કરૂણ મૃત્યુ થઈ જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.