આજકાલ જ્યાં જુઓ ત્યાં ડીજે વાગતા હોય તેનો અવાજ ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે અસહ્ય થઈ પડે છે એમાંય રાત્રે દૂર સુધી વાગતા આવા ડીજે શાંતિ છીનવી લે છે અને નજીકમાં પાર્ટી પ્લોટ કે વાડી કે કોઈ કાફે હોયતો લોકોનો મરો થઈ જાય છે અને મોટેથી વાગતા આવા હેવી મ્યુઝિક સિસ્ટમને લઈ હૃદયના ધબકારા ઉપર વિપરીત અસર કરી મૂકે છે ત્યારે લોકો રીતસર હવે કંટાળ્યા છે અને આનો કોઈ કાયમી રસ્તો કાઢવા માંગ ઉઠી છે ત્યારે જાહેરમાં ડી.જે થી ફેલાતા અવાજના પ્રદૂષણને અટકાવવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે.
આ અરજીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે અવાજના પ્રદૂષણ અંગે બહાર પાડેલા નોટિફિકેશનને પડકારવામાં આવ્યુ છે.
ડી.જે માટે નક્કી કરેલા ડેસિબલ કરતા પણ વધુ ડેસિબલથી ડી.જે વગાડવામાં આવે છે. જેના લીધે આસપાસ રહેતા લોકોના ઘરમાં ધ્રુજારી આવે છે. મેડિકલ જનરલમાં મોટા અવાજથી બહેરાશ આવતી હોવાની અને હૃદયને પણ તેની ખરાબ અસર થતી હોવાનું જણાવ્યુ છે.
આ અંગે ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે જીપીસીબીને અને સરકારને નોટિસ પાઠવી છે.
જાહેરહિતની અરજીમાં એવી પણ રજુઆત કરાઇ છે કે, સુપ્રીમકોર્ટે 75 ડીસેબલ કરતા વધુના અવાજે લાઉડ સ્પીકર નહી વગાડવા આદેશ કર્યો છે,છતાં લગ્ન પ્રસંગે અને રાજકીય મેળાવડા દરમ્યાનકે ગમે ત્યાં વાગતા ડીજેમાં આ માપદંડનું પાલન કરવામાં આવતું નથી. ડી.જે દ્વારા વગાડાતા ગીતો સાઇલન્ટ ઝોનનું પણ પાલન કરતા નથી.
સાઇલન્ટ ઝોનમાં 50 કરતા વધુ ડેસિબલથી ડી.જે વગાડવામાં આવે છે. તેના કારણ પર્યાવરણને પણ નુકશાન થાય છે. સાઉન્ડ લીમીટ રાખવા જીપીસીબીએ માપદંડ નક્કી કર્યા છે પણ તેનું પણ પાલન કરાવવામાં આવતુ નથી ત્યારે આ અંગે કોઈ તાત્કાલિક રસ્તો કાઢવા માંગ થઈ છે.