ઝોમેટોના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે રાજીનામું આપતા આજે મંગળવારના ઈન્ટ્રાડે ટ્રેડમાં BSE પર ઓનલાઈન ફૂડ ડિલિવરી એગ્રીગેટર Zomatoનો શેર 4% ઘટીને રૂ. 57.65 થયો હતો.
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો લિમિટેડે જણાવ્યું હતું કે તેના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે સોમવારે પદ પરથી રાજીનામું આપ્યું છે. ઝોમેટોએ સ્ટોક એક્સચેન્જોને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, પાટીદાર ઝોમેટોના થોડા કર્મચારીઓમાંના એક હતા જેમણે કંપની માટે કોર ટેક સિસ્ટમ બનાવી હતી.
ઝોમેટોએ કહ્યું છે કે છેલ્લાં દસ વર્ષોમાં, તેઓએ એક તેજસ્વી ટેકનિકલ ટીમનું નેતૃત્વ કર્યું હતું જે ટેક્નિકલ કાર્યને આગળ વધારવામાં સક્ષમ છે. Zomatoના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
મહત્વનું છે કે ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીના અન્ય કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું.
સાડા ચાર વર્ષ પહેલાં Zomato સાથે જોડાયેલા ગુપ્તાને 2020માં તેના ફૂડ ડિલિવરી બિઝનેસના CEOના પદ પરથી સહ-સ્થાપક બનાવવામાં આવ્યા હતા.
છેલ્લા એક વર્ષમાં, કેટલાક ટોચના પદાધિકારીઓએ Zomatoમાંથી રાજીનામું આપ્યું છે. તેમાં રાહુલ ગંજુ, જેઓ નવી પહેલ સેગમેન્ટ હેડ હતા, સિદ્ધાર્થ ઝાવર, ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્ટરસિટીના વડા અને ગૌરવ ગુપ્તા, સહ-સ્થાપકનો સમાવેશ થાય છે.