ઉત્તરાયણ પર્વ ઉપર માત્ર એક દિવસ પતંગ ચગાવવાની હોવા છતાં મહિનાઓ અગાઉ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતા અનેક લોકોના જીવ સામે જોખમ ઉભું થયું છે પણ કોઇ કાયદો નહિ હોવાથી લોકોના જીવ જઈ રહયા છે.
વડોદરામાં માત્ર ત્રણ દિવસમાં પતંગની કાતિલ દોરીએ બે વ્યક્તિઓનો ભોગ લીધો છે નવા વર્ષમાંજ નેશનલ હોકી પ્લેયરનું ગળામાં દોરી આવી જતા મોત થયા બાદ વધુ એક વ્યક્તિનું મોત થયું છે.
રણોલી સ્થિત શોભા પાર્ક સોસાયટીમાં રહેતા અને સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટર ચલાવતા 46 વર્ષીય મહેશભાઈ ભગવત પ્રસાદ ઠાકુર
ગતસાંજે 5 વાગ્યે તેમના માણસોને લેવા મુકવા માટે સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે ગળાના ભાગે પતંગનો દોરો આવી જતા તેમને ગંભીર ઇજા થતાં 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહેશ ઠાકુરને તબીબોએ મૃત જાહેર કર્યાં હતા.
મહેશભાઈ પરિણીત હતા અને તેમને એક પુત્ર પણ છે.
મહેશભાઈના મૃત્યુને લઈ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને આક્રંદ છવાયું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અગાઉ પણ વડોદરામાં 30 વર્ષીય નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ નવાપુરા પોલીસ સ્ટેશન નજીક ગળામાં પતંગની દોરી આવી જતાં ગંભીર ઇજાઓ સાથે 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેઓનું કરૂણ મોત થયું હતું.
આમ,ત્રણ દિવસમાં પતંગની કાતિલ દોરીએ 2 વ્યક્તિનો ભોગ લીધો હતો.