રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે અને લોકો આખો દિવસ ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ ઠંડી પડવાની આગાહી કરી છે.
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા હોવાથી આગામી એક અઠવાડિયામાં હજુપણ 2થી 3 ડિગ્રી પારો ગગડવાની આગાહી વ્યક્ત થઈ છે.
છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહયા છે.
રાજ્યમાં કચ્છના નલિયામાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે જયારે
ગાંધીનગરમાં 10.5 ડિગ્રી,વડોદરામાં 11.6 ડિગ્રી,સુરતમાં નોંધાયું 14.6 ડિગ્રી,ભુજમાં 11.2 ડિગ્રી,અમરેલીમાં 13 ડિગ્રી અને રાજકોટમાં 12.5 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગરમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે પરિણામે લોકો ઠુઠવાયા છે અને વહેલી સવારે લોકો બહાર નીકળવાનું ટાળી રહયા છે અને ગરમ વસ્ત્રોની ખરીદી વધી છે.
સુસવાટા ભર્યા પવનને કારણે દિવસભર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના અનુસાર હજુ રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે અને ઠંડીનો ચમકારો રહેશે.
સાથેજ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટતા કાતિલ ઠંડીનો અહેસાસ થશે.