રાજ્યમાં આમ આદમી પાર્ટી હવે લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરશે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના સંગઠનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે.
ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં હવે માત્ર એક જ પ્રમુખ નહીં, પરંતુ કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત ઝોનમાં અલ્પેશ કથીરિયા, દક્ષિણ ઝોનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ઉત્તર ગુજરાત ઝોનમાં ડો. રમેશ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનમાં જગમાલ વાળા, મધ્ય ગુજરાત ઝોનમાં જેવલ વસરા અને કચ્છ ઝોનમાં કૈલાસ ગઢવીને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટીએ હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં AAP લોકસભા ચૂંટણી માટે નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે.
ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. હવે નવા સંગઠન સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.