ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની માત્ર 17 બેઠકો આવતાં જ હાઈકમાન્ડને ખુબજ આશ્ચર્ય થયું છે અને ગુજરાતમાં મજબૂત ગણાતી કોંગ્રેસના આ હાલ કેમ થયા તે જાણવા હવે મનોમંથન શરૂ કર્યું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લાર્જુન ખડગેએ ગુજરાતમાં કોંગ્રેસની ભૂંડી હારના કારણો જાણવા માટે ‘સત્ય શોધક કમિટી’ની રચના કરી છે.
ત્રણ સભ્યોની બનેલી આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની નિમણુંક કરાઈ છે.
આ કમિટીએ કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો રહેશે.
ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌથી ઓછી સીટ મળી છે. મહત્ત્વનું છે કે કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી 50થી વધુ બેઠકો પર જીત મેળવતી હતી અને કોંગ્રેસ 2017માંતો 80 બેઠકો સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આ વખતે કોંગ્રેસની માત્ર 17 બેઠકો મળતા હાઇ કમાન્ડ દ્વારા તેના કારણો જાણવા રિપોર્ટ માંગ્યો છે.