ઉત્તરાયણ પર્વ ઉપર ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવાનું ભલે લોકોને લાગતું હોયકે પોલીસ શુ કરી લેશે ? પરંતુ આજે આપને જણાવવા જઈ રહયા છે કે કાયદામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવી ગુનો છે અને અન્ય કોઈ વ્યક્તિને દોરીના કારણે ગંભીર ઈજા બાદ મૃત્યુ થાય તો IPCની કલમ 304 હેઠળ મૃત્યુ થઈ શકે એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કરેલું કૃત્ય માનવામાં આવી શકે છે.
આવા કેસમાં સરળતાથી જામીન મળતા નથી અને ચાઈનીઝ દોરી વાપરનાર આરોપી સામે ગુનો સાબિત થાય તો 10 વર્ષ જેલ થઈ શકે છે.
ઉત્તરાયણના તહેવાર પર વપરાતી ચાઈનીઝ દોરી અંગે લોકોમાં ભલે એવો ભ્રમ હોય કે આ દોરી ચીનથી આવતી હશે પણ હકીકતમાં એવું નથી આ કહેવાતી ચાઈનીઝ દોરી આપણા દેશમાં જ તૈયાર થાય છે.
ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં ચાઈનીઝ દોરી બનાવવાનાં નાનાં કારખાનાં કે કુટીર ઉદ્યોગરૂપે આખું વર્ષ દોરી બનાવતા રહે છે.
દિલ્લીનો સરાઉન્ડ એરિયા, ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, બરેલી તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચાઈનીઝ દોરી તૈયાર કરવામાં આવે છે.
ચાઈનીઝ દોરી રાસાયણિક પ્રક્રિયાથી પસાર થાય છે જેમાં મોનોફિલામેન્ટ રેસા બનાવી વિશેષ પ્રકારના પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિકને ઓગાળીને મિશ્રણ મારફતે તૈયાર કરવામાં આવે છે.
આ દોરી આમતો અગાઉ માછલી પકડવા માટે ઉપયોગમાં લેવાતી હતી. તે સ્ટ્રેચેબલ હોય સરળતાથી તૂટતી નથી તેથી દોરી પર કાચનો પાઉડર, ચોખાનો પાઉડર, લોખંડના વેરનું કોટિંગ કરી અને રંગ ચઢાવીને સમયાંતરે વેચાણ શરૂ થયુ અને ખુબજ ચાલ્યું.
છેલ્લાં 15 વર્ષમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરોડો રૂપિયામાં થવા લાગ્યું છે. ભારતમાં ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરીને નાયલોન માંજો, મોનો કાઈટ માંજો, તો પાકિસ્તાન, બાંગ્લાદેશમાં કેમિકલ ડોર નામથી ઓળખાય છે.
ગળા કાપી નાખતી મૃત્યુ નિપજાવતી ચાઈનીઝ દોરી સામે ગુજરાત જ નહીં દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં પણ ફરિયાદો થતી આવી છે.
એક કરૂણ કિસ્સામાં 15 ઓગસ્ટ 2016ના રોજ દિલ્હીમાં બે જુદી જુદી ઘટનાઓમાં ચાઈનીઝ દોરીના કારણે બે બાળકો મૃત્યુ થયા હતાં.
આ બન્ને બાળકો કારના સનરુફમાંથી બહાર નીકળ્યા હતા અને દોરી ગળામાં આવી જતા તેમના ગળું કપાઇ જતા કરૂણ મોત થયા હતા.
આ ઘટના બાદ દિલ્હી સરકારે કાચના પાઉડરથી રંગેલી દોરી પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વર્ષ 2017માં એક કેસમાં સુપ્રીમ કોર્ટે અરજદારોને NGT(નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ) સમક્ષ જવા માટે કહ્યું હતું. તે પછી NGTએ ચાઈનીઝ માંજો, નાયલોન અથવા કોઈ પણ કૃત્રિમ સામગ્રીમાંથી બનેલા માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
ત્યારે ગુજરાતમાં ઉત્તરાયણ અગાઉજ સુરતમાં એક અને વડોદરામાં બે મળી ત્રણના મોત થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી ઓન લાઈન વેચાઇ રહી છે જેની સામે કડકાઈ થી અમલ નહિ થતાં ચાઈનીઝ દોરી સંપૂર્ણ બંધ કરવી મુશ્કેલ બની છે.