આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે ખુશ ખબર છે અને 14મી એ ઉત્તરાયણ અને 15મી વાસી ઉત્તરાયણના દિવસે મસ્ત પવન રહેવાનો છે,હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની રહેશે એટલુંજ નહિ પણ આ બંને દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28થી 30 ડીગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે પરિણામે ખાસ ઠંડી નહિ લાગે.
છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પતંગ ચગે તેવો પવન હોતો નથી પરિણામે પતંગ રસિયાઓ નિરાશ થાય છે પણ આ વર્ષે મસ્ત પવન રહેવાનો છે.
ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાનનો પારો 20 ડીગ્રીની આસપાસ જ રહેશે. સવારના સમયે પવનની ગતિ સહેજ તેજ રહેશે અને કલાકના 20 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગ ચગાવવાની ખરી મજા આવશે, કારણ કે તાપમાન વધવા લાગશે અને ધીરે-ધીરે 4 વાગ્યા સુધીમાં 25 ડીગ્રીએ પહોંચશે.
જ્યારે પવનની ગતિ પણ નિયંત્રિત થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જશે. આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ રહેશે.
ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.નો વધારો થઈ શકે છે. આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી આમેય રજા રહેવાની છે જેથી ઊંધિયું પુરી,ચિક્કી, ભાત-કઢીની મોજ સાથે પતંગરસિયાઓ ઉત્તરાયણનું પર્વ ભરપૂર માણશે.
સાથેજ એક વાત નોટ કરી રાખજો કે મૂંગા પક્ષીઓના માળામાંથી બહાર અવવાના સવારના સમયે અને પરત આવવાના સાંજના સમયે થોડીવાર પતંગ ચગાવવાને વિરામ આપજો જેથી તેઓ ઇજા ન પામે તેનું પણ ધ્યાન રાખજો