પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેલા હિન્દૂ અને શીખની હાલત ખુબજ ખરાબ છે અહીં હિંદુ અને શીખ યુવતીઓનું અપહરણ કરીને અને જબરદસ્તી ધર્મ પરિવર્તનન કરાવવામાં આવી રહ્યું છે,જેની સામે ભારત સહિત દુનિયાભરના દેશોએ વિરોધ પણ કર્યો છે ત્યારે હવે એક પાકિસ્તાની ફિલ્મ મેકરે આ પોતાનાજ દેશમાં ચાલતી કડવી વાસ્તવિકતા દુનિયાની સામે લાવી દીધી છે.
સિંધની હિંદુ છોકરીઓના અપહરણ કરી તેમના બળજબરીથી લગ્ન કરવાની ચાલી રહેલી પ્રવૃત્તિઓ ઉપરની તેમની ફિલ્મને પ્રતિષ્ઠિત ‘કાન્સ વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો એવોર્ડ મળ્યો છે,પરંતુ આ ફિલ્મથી કટ્ટર પંથીઓ નારાજ થઈ ગયા છે.
ફિલ્મ ‘ધ લુઝિંગ સાઈડ’ સિંધની 4 હિંદુ યુવતીઓની રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. અપહરણ કર્યા બાદ તેના બળજબરીથી મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ ફિલ્મને ‘હ્યુમન રાઈટ્સ’ કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મના નિર્દેશક જાવેદ શરીફ પોતે પણ પાકિસ્તાની છે. આ પહેલાં પણ ફિલ્મને ઘણા વધુ એવોર્ડ મળ્યા છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ દેશની ફિલ્મ ઈન્ટરનેશનલ એવોર્ડ જીતે છે ત્યારે તે દેશ અને તેના નાગરિકો માટે ગર્વની વાત હોય છે પરંતુ પાકિસ્તાનમાં એવું નથી અહીંના કટ્ટર પંથીઓ ને આ ગમ્યું નથી અને ફિલ્મ મેકર વિરુદ્ધ અભિયાન છેડી દીધું છે.
પાકિસ્તાનમાં હિન્દુ-શીખ છોકરીઓની વાસ્તવિકતા જાવેદ શરીફની ફિલ્મમાં જોવા મળે છે.
મુવમેન્ટ ઓફ સોલિડેરિટી એન્ડ પીસના એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ 1000 લઘુમતી છોકરીઓને તેનાથી મોટી ઉંમરના મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવે છે. જે પૈકી ઘણાની ઉંમર માત્ર 10 થી 12 વર્ષની છે જેઓને મોટી ઉંમરની વ્યક્તિ સાથે શાદી કરાવવામાં આવે છે.
આ છોકરીઓમાં સૌથી વધુ સંખ્યા સિંધના હિંદુઓની છે. જેના કારણે અમેરિકાએ પાકિસ્તાનને લઘુમતી સુરક્ષાના મામલે ‘ગંભીર ચિંતા’ ધરાવતા દેશોની શ્રેણીમાં સામેલ કર્યું છે. પરંતુ તેને રોકવા માટે પાકિસ્તાનમાં કોઈ નક્કર કાયદો બનાવવામાં આવ્યો નથી.
2016માં પાકિસ્તાનના સિંધ પ્રાંતે બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો પસાર કર્યો હતો.પરંતુ કટ્ટરવાદીઓના વિરોધ બાદ સરકારે આ કાયદો પાછો ખેંચી લીધો હતો.
આ પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓની વાસ્તવિકતા છે જેઓનો અવાજ ઉઠાવવાવાળું કોઈ નથી.