વડોદરા શહેરમાં દારૂ અને ડ્રગ્સનો ધંધો જામ્યો છે અને ઉપરા ઉપરી દારૂ અને ડ્રગ્સ પકડવાના બનાવો મીડિયામાં છવાઈ રહયા છે ત્યારે હવે આવા ધંધામાં કામ કરતા તત્વોમાં ગેંગવોર થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરામાં માથાભારે બૂટલેગરો જુબેર મેમણ અને શબ્બીર ઉર્ફે લાલુ અંડો શેખની ગેંગ વચ્ચે ગેંગવોર થઈ શકે છે. સાજીદ બેકરી અને જુબેર સહિત પાંચ જેટલા ઈસમો હથિયારોસાથે લાલુ અંડા પર હુમલો કરવા પોળમાં રોલા પાડયા હતા પણ લોકો એકત્ર થઈ જતાં સાજીદ બેકરી પોતાના સાગરીતો સાથે ત્યાંથી જતો રહ્યો હતો.
આ આખા મામલામાં લાલુ અંડાની પત્નીએ પાંચ ઈસમો સામે ફરિયાદ કરીતો સામા પક્ષે જુબેરની પત્નીએ લાલુ અંડા વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
લાલુ અંડાની પત્ની પરવીન શેખે સાજીદ બેકરી, મૈયુદ્દીન ઉર્ફે ભોલ્લો, જુબેર મેમણ, ઈમ્તીહાઝ ઉર્ફે ગાય અને ગુલઝાર મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે મોડી સાંજે જ્યારે તેનો પતિ લાલુ અંડો દુકાનની બહાર બેઠો હતો ત્યારે સાજીદ બેકરી હાથમાં તલવાર લઈને પોળ વચ્ચે જઈ લાલુ અંડો ક્યા છે આજે તેને પતાવી દેવો છે તેવુ બોલી અપશબ્દો ચાલુ કર્યા હતા તેની સાથે અન્ય 3 શખ્સો ગુલઝાર મેમણ, મૈયુદ્દીન ઉર્ફે ભોલ્લો, ઈમ્તીહાઝ ઉર્ફે ગાય હાથમાં લોંખડની પાઈપ લઈને મારવા માટે આવ્યા હતા. જોકે પોળમાં લોકોના ટોળા વળી જતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. બીજી તરફ જૂબૈર મેમણની પત્નીએ લાલુ અંડો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ જુબેર અને અબ્દુલનો ઝઘડો થયો હતો જેમાં લાલુ અંડો વચ્ચે પડ્યો હતો. જેના કારણે જુબેર અને લાલુ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી તેની જ અદાવત રાખીને બન્ને વચ્ચે બબાલ થઈ હતી.
મહત્વનું છે કે કુખ્યાત બૂટલેગર જુબેર વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને જિલ્લામાં તે વોન્ટેડ પણ છે, જ્યારે લાલુ અંડા વિરુદ્ધ પણ અગાઉ શ્રીજીની સવારી પર હુમલાના ષડયંત્રનો ગુનો પણ નોંધાયો હતો.
જોકે આ બબાલ પાછળનું કારણ દારૂ છે કે ડ્રગ્સ તે દિશામાં પણ તપાસ શરૂ થઇ છે.
જુબેર મેમણની પત્ની શાઈનાબાનુએ લાલુ અંડો વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું કે, રવિવારે રાત્રે જુબેર મેમણના ફોન પર વ્હોટસએપ કોલ આવ્યો હતો. જે તેણે ઉપાડતા સામેથી વ્યક્તિએ પોતાનો પરિચય લાલુ અંડો તરીકે આપ્યો હતો. તેણે ધમકી આપી કે જુબેર ક્યાં છે આજે તેને મારી જ નાખવો છે. લાલુ અંડા એ શાઈનાબાનુને અપશબ્દ બોલીને ફોન કાપી નાંખ્યો હોવાનું જણાવ્યું છે.
દરમિયાન બન્ને માથાભારે ઇસમોના સાગરીતો વચ્ચે બબાલ થવાની શકયતા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.