રાજ્યમાં ગત ડિસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાં આંતરીક મતભેદોને લઈ કેટલાક નેતાઓ નિષ્ક્રિય રહેવા છતાં ભાજપે 156 સીટ જીતી ઇતિહાસ બનાવ્યો હતો અને ચમત્કારિક વિજય હાંસલ કર્યો હતો પણ ચૂંટણી વખતે જેઓ સામે ફરિયાદો હતી તેવા નેતાઓ અને કાર્યકરોનું લિસ્ટ હાઈ કમાન્ડ સુધી પહોંચતા તેઓના જવાબો લેવાનું શરૂ છે ત્યારે કેટલાક
સાંસદોને પણ દિલ્હી બોલાવ્યા બાદ તેઓને મુલાકાત નહિ આપતા આવા સાંસદ બે બે વખત ધક્કા ખાઈ રહ્યા હોય મજાક બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતના પાંચ સાંસદોને ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ મુલાકાત માટે દિલ્હી તેડાવ્યા બાદ બે-બે વખત મુલાકાત નહીં આપ્યાની રાજકારણમાં ગરમા ગરમ ચર્ચા છે.
વિગતો મુજબ રાજ્યમાં ચુંટણીઓ દરમિયાન પાર્ટી વિરોધી કામગીરી કરવાની ભાજપને 600 ફરિયાદો મળી છે. જેના પર બનાવેલી એક કમિટીએ ફરિયાદો અંગે તપાસ કરી કાર્યવાહીનો રિપોર્ટ ભાજપ હાઈકમાન્ડને મોકલવાની કામગીરી હાથ ધરી છે. શિયાળુ સત્ર બાદ પાટણના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા, ખેડાના દેવુંસિંહ ચૌહાણ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા એમ પાંચ સાંસદોને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા બાદ કલાકો સુધી બહાર બેસાડીને મુલાકાત આપ્યા વગર પાછા આવતું રહેવું પડ્યું હતું. બાદમાં ફરીથી સમય અપાયો ત્યારે છેલ્લી ઘડીએ શિડ્યુલ રદ કરી દેવાયુ હતું. આમ પાંચેય સાંસદો ત્રણ અઠવાડિયામાં બબ્બે વખત ગુજરાતથી દિલ્હી અને દિલ્હીથી ગુજરાત ધક્કા ખાઈ રહ્યા હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે.