ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહયા છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડી અસહ્ય બનતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આવા સંજોગોમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
ઠંડીના માહોલમાં ધો-10ની શાળામાં તા.28મી થી પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સાથેજ વહેલી સવારે ચાલવા માટે નીકળતા સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યા ઘટી છે. અંગોને કંપાવતી ઠંડીનો માહોલ અને સુસવાટા મારતા ઠંડા પવનોને લઈ લોકો રીતસર ઠુઠવાઈ રહયા છે તેવામાં માવઠું થવાની આગાહી થતા ઠંડી વધવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.