રાજ્યમાં વિકાસ થશે અને મહા નગરપાલિકા પાલિકા દ્વારા ટેક્સમાં વધારો થશે હાલમાં અમદાવાદ, રાજકોટ,વડોદરા અને સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો સમક્ષ જે બજેટ રજૂ કર્યું છે તેમાં જનતા પર દોઢો ટેક્સ ઝીંકાયો છે.
અમદાવાદની વાત કરવામાં આવેતો મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને રૂ. 8400 કરોડ જ્યારે સુરતમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રૂ. 7707 કરોડ અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રૂ. 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે.
અમદાવાદની 72 લાખ, સુરતમાં 66.37 લાખ અને રાજકોટમાં 17.73 લાખ વસ્તી છે. ત્યારે આ ત્રણેય શહેરની દોઢ કરોડ વસ્તીને આવરી લેતું બજેટ રાજ્યના મિની બજેટના રૂપમાં રજૂ થયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું છે. ગત વર્ષના મ્યુનિસિપલ કમિશનરના 8111 કરોડના બજેટ કરતાં રૂ. 289 કરોડની રકમનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે આજે ચૂંટાયેલી પાંખ ભાજપના શાસકો સમક્ષ રજૂ કર્યું હતું. AMCના વધતાં જતા વહીવટી ખર્ચા અને રાજ્ય સરકારની મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટની ઓછી રકમને લઈ ટેક્સમાં વધારો કર્યો છે.
અમદાવાદના નાગરિકો પર વિવિધ ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્મેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવામાં આવ્યો છે. ફુગાવાના દર પ્રાથમિક સુવિધાઓના ખર્ચ વગેરેને પહોંચી વળવા કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં પણ 5 ટકાનો વધારો કરવા સૂચન કરાયું છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા અત્યાર સુધીનું હાઈએસ્ટ 2023-24નું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ખર્ચ કેપિટલ પ્રોજેક્ટ ઉપર કરવામાં આવશે. જૂના અને નવા સમાવેશ થયેલા વિસ્તારો માટેની કામગીરી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ સાથે જ સુરતી પર 307 કરોડનો વધારાનો વેરો ઝીંકવામાં આવ્યો છે. રહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4નો વધારો, બિનરહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજિત વધારો રૂ. 152.18 કરોડ, યુઝર ચાર્જીસમાં અંદાજિત વધારો રૂ. 148.66 કરોડ, વોટર મીટર ચાર્જીસમાં વધારો રૂ. 6 કરોડ કરાયો છે.
રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ આજ રોજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2586.82 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ શહેરની જનતાને 156 વોટનો ઝટકો આપી મિલકત વેરા અને પાણી વેરામાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. બજેટની અંદર રહેણાક મકાનોમાં પાણી વેરો 840 રૂપિયાથી વધારીને 2400 રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે કોમર્શિયલની અંદર 1680થી વધારીને રૂપિયા 4800 કરવામાં આવ્યો છે.
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2023-24નું રૂ.4761 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં શહેરનાં વિવિધ વિકાસ કામો કરવા માટે એન્વાઇરમેન્ટ સહિત વધારાના 79 કરોડનો કર દરનું સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન વિવિધ વિકાસનાં કામો પાછળ રૂપિયા 950 કરોડનો ખર્ચ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
વડોદરા મનપાનું ગત બજેટ રૂપિયા 3838.67 કરોડનું હતું. જેને વધારીને 4761 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. હાલ કોર્પોરેશનને વેરામાંથી 542 કરોડની આવક થઈ રહી છે. જે વધીને 900 કરોડ સુધી પહોંચે તેવું અનુમાન છે.