માધાપર પાસે ગેરકાયદેસર પશુ હેરાફેરીનો પર્દાફાશ : ટ્રકમાં ઠસોઠસ ભરેલા 188 ઘેટાં-બકરા છોડાવાયા
ભુજ તાલુકાના માધાપર પાસે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રકમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા ૧૮૮ જેટલા ઘેટાં-બકરાંને છોડાવીને કચ્છમાં થઇ રહેલી ગેરકાયેદસર પશુ હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. આ તમામ પશુઓને છોડાવીને પોલીસે પાંજરાપોળમાં સુપરત કર્યા હતા, જ્યારે ટ્રકચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જીવદયાપ્રેમીએ એલસીબીને જાણ કરતાં ટીમ દ્વારા કરવામાં આવી કાયવાહી
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન કોઇ જીવદયાપ્રેમીએ એલસીબી પી.આઇ. એચ.આર.જેઠીને જાણ કરીને એક ટ્રક માધાપર નળવાળા સર્કલથી માધાપર તરફ જાય છે. અને તેમાં ખીચોખીચ ઘેટાં-બકરાં ભરેલા છે. તેથી પી.આઇ. જેઠી દ્વારા ટીમને તાત્કાલિક તપાસ કરવાની સુચના અપાતાં ટીમના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાંથી પસાર થતી ટ્રકને ઉભી રખાવી હતી.
ટ્રકચાલક પાસે ઘેટાં-બકરોં લઇ જવા અંગેની કોઇ પરમીટ નહોતી
એલસીબીની ટીમે ત્યાં પહોંચીને ટ્રકને અટકાવીને તપાસ કરતાં તેમાં ૧૮૮ જેટલા ઘેટાં-બકરાં ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા. ટ્રકચાલક બનાસકાંઠાના દિયોદર તાલુકાના સેશન નવા ગામના મામદખાન જુસબખાન બલોચને પુછપરછ કરતાં તેણે કહ્યું કે,તે નારાયણ સરોવરથી ઘેટાં-બકરાં ભરીને રાધનપુર ખાતે લઇ જઇ રહ્યો છે. જોકે તેની પાસે પરમીટ માંગવામાં આવતા તે રજૂ કરી શક્યો નહોતો.
પશુ સંરક્ષણની કલમો હેઠળ માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ ફરિયાદ
આરોપી મામદખાને ટ્રકમાં ખીચોખીચ અને ક્રુરતાપૂર્વક ભરેલા ૧૮૮ જેટલા ઘેટાં બકરાં માટે ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત તેની પાસે વેટરનરી ઓફિસરનું પ્રમાણપત્ર નહોતું. તેથી પોલીસે કુલ રૂ. ૮ લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમ ૧૧(૧), ડી.ઈ.એફ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૮(૧), ૧૦ મુજબની કલમો તળે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.