ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની ઉપાડ ખેંચવાનો સીલસીલો અવિરત ચાલુ રહ્યો છે. અહેવાલો અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) એ ફેબ્રુઆરીમાં આ મહિને અત્યાર સુધીમાં રૂ. 9600 કરોડથી વધુ રકમ ઉપાડી લીધી છે. નિષ્ણાતો કહે છે કે અન્ય ઊભરતાં બજારોની સરખામણીમાં ભારતીય ઇક્વિટી માર્કેટના ઊંચા મૂલ્યાંકનને જોતાં વિદેશી રોકાણકારો રકમ પાછા ખેંચી રહ્યા છે.
ડેટા અનુસાર, FPIએ જાન્યુઆરીમાં પણ રૂ. 28,852 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો જે છેલ્લા સાત મહિનામાં આ સૌથી વધુ ઉપાડ હતો. તે જ સમયે, 1 થી 10 ફેબ્રુઆરી વચ્ચે, ભારતીય શેરબજારમાંથી 9,672 કરોડ રૂપિયાનો ઉપાડ કરવામાં આવ્યો છે.
વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર 2022માં રૂ. 11,119 કરોડ અને નવેમ્બરમાં રૂ. 36,238 કરોડનું ભારતીય બજારમાં ચોખ્ખું રોકાણ કર્યું હતું. કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણ કહે છે કે કેન્દ્રીય બેંકો વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ રાખતાં FPI ઉપાડ હજુ પણ ચાલુ રહેવાની શક્યતા છે.
બીજી તરફ, મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના સહ-નિર્દેશક હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જ્યાં સુધી અદાણી કેસમાં વધુ સ્પષ્ટતા નહીં આવે ત્યાં સુધી બજારમાં વધુ સ્થિરતા નહીં આવે અને FPIsમાં સુધારાના વધુ નક્કર સંકેતો ન દેખાય ત્યાં સુધી મૂડી ઉપાડનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ભારતીય બજારોનું તુલનાત્મક રીતે ઊંચું મૂલ્યાંકન પણ વિદેશી મૂડીના આ ઉપાડનું મુખ્ય કારણ છે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય બજારોમાંથી બહાર કાઢવામાં આવેલી મૂડીને તાઈવાન, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા બજારોમાં જમાવવામાં આવી રહી છે. ચીનમાં કડક લોકડાઉન હટાવ્યા બાદ વિદેશી રોકાણકારો ફરી તેની તરફ આકર્ષાઈ રહ્યા છે.