બેંગ્લોરના એરો ઈન્ડિયા 2023 એરફોર્સ સ્ટેશન,યેલાહંકા ખાતે એશિયાના સૌથી મોટા એર શોની 14મી આવૃત્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાઈ રહી છે. એર શોની થીમ ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ છે. કોરોના બાદ પહેલીવાર દર્શકો પણ આ શોમાં ભાગ લઈ રહ્યા છે.
એર ચીફ વીઆર ચૌધરીએ ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યું છે અને ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી.
આજે તા.13 થી તા.17 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શોમાં મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ યોજના મુજબ સ્વદેશી ટેક્નોલોજીનું પ્રદર્શન અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
એરો ઈન્ડિયા 2023 માં 80 થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. લગભગ 30 દેશોના મંત્રીઓ, ગ્લોબલ અને ભારતીય OEMના 65 સીઈઓ હાજરી આપશે. આ કાર્યક્રમમાં લગભગ 100 વિદેશી અને 700 ભારતીય કંપનીઓ સહિત 800 થી વધુ સંરક્ષણ કંપનીઓની ભાગીદારી પણ જોવા મળશે.
શો દરમિયાન 75 હજાર કરોડના 251 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.
પ્રદર્શનમાં ભાગ લેનારી ભારતીય કંપનીઓમાં MSME અને સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે, જે દેશમાં ચોક્કસ ટેક્નોલોજી, એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષમતાઓના વિકાસનું પ્રદર્શન કરશે.
એરો ઈન્ડિયા 2023 પ્રદર્શનમાં એરબસ, બોઈંગ, ડસોલ્ટ એવિએશન, લોકહીડ માર્ટિન, ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રી, બ્રહ્મોસ એરોસ્પેસ, આર્મી એવિએશન, એચસી રોબોટિક્સ, સાબ, સફરીન, રોલ્સ રોયસ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ લિમિટેડ, લિ. સામેલ છે.