વલસાડમાં વેરા વસુલાત કાર્યવાહી દરમિયાન આકર્ષક સ્કીમ અમલમાં મુકવામાં આવી છે જેમાં બાકી વેરાની રકમ આગામી તા.31 માર્ચ સુધીમાં ભરનાર મિલ્કતધારકોને વ્યાજ,પેનલ્ટી,દંડ માંથી સંપૂર્ણ પણે 100 ટકા રાહત અપાશે.
વલસાડ નગરપાલિકા દ્વારા 2022-23ના વેરા ભરવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગત વર્ષ અને પાછલા વર્ષોના જે મિલકત વેરા હજી ભરાયા નથી તેવા મિલ્કતધારકો પાસે વેરા વસુલાતમાં રાહત આપવા સરકારે સ્કીમ અમલમાં મૂકી છે જેનું નામ અમૃત મહોત્સવ પ્રોત્સાહક વેરા વળતર યોજના છે જે અંગેનો પરિપત્ર પાલિકાઓને મોકલવામાં આવ્યો છે.
આ યોજના અનુસાર જે મિલકત ધારકોના પાછલા વર્ષોના વેરા બાકી છે તેઓ 31 માર્ચ સુધીમાં પાલિકાના હાઉસ ટેક્સ શાખામાં ભરી દેશે તેઓને આટલા વર્ષના વ્યાજ,પેનલટી,નોટિસ ફી અને વોરન્ટ ફી સહિત દંડની રકમમાંથી મુક્તિ આપવામાં આવશે.
જેને લઈ આવા બાકીદાર મિલ્કતધારકોને વ્યાજ દંડમાંથઈ મોટી રાહત મળશે.વલસાડ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની આ યોજના અમલમાં મૂકવા અને તેનો લાભ લેવા મિલ્કતધારકોને અનુરોધ કર્યો છે.
નગરપાલિકામાં 25 ટકા પાછલી વસુલાત રિકવર કરવા કવાયત
વલસાડ નગર પાલિકામાં મિલ્કતવેરાની પાછલી બાકી વસુલાત લગભગ 25 ટકા છે. જે રાજ્ય સરરકારની આ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ પાછલી બાકી રકમના વેરામાં વ્યાજ દંડ પેનલટીની 100 ટકા માફી યોજના હેઠળ 31 માર્ચ સુધીમાં વસુલ કરવાના પ્રયાસો શરૂ થયા છે.