આજકાલ મોટી હોસ્પિટલમાં પણ ઝોલાછાપ ડોક્ટર ઘૂસી ગયા છે જેઓ માનવ જિંદગી સાથે ચેડાં કરી રહયા છે દિલ્હીની લોકનાયક જયપ્રકાશ (LNJP) હોસ્પિટલમાં આવાજ ઝોલા છાપ ડોકટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે.
આવા ડોકટર અને તેના સ્ટાફે નવજાત બાળકીને મૃત માની બોક્સમાં પેક કરી પરિવારને સોંપી દીધી અને અઢી કલાક બોક્સમાં રહયા બાદ જ્યારે પરિવારે બોક્સ ખોલ્યું તો બાળકી જીવતી હતી
આ જોઈ બાળકીના પરિવારે ઝોલા છાપ ડોકટર અને તેની ટીમ સામે આક્રોશ ઠાલવી રોષ વ્યકત કર્યો હતો.
દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી થઈ હતી. મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો, જેને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી, ત્યારબાદ તેને બોક્સમાં પેક કરીને પરિવારને સોંપી હતી. સંબંધીઓએ ઘરે આવીને બોક્સ ખોલ્યું તો બાળકી જીવિત હતી.
ત્યારબાદ પરિવાર ફરીથી બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો અને ડોકટરોને નવજાતની હિલચાલ વિશે જાણ કરી, પરંતુ ડોકટરોએ બાળકીને જોવાની પણ ના પાડી દીધી. આ પછી પરિવારે ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો.
જો કે પોલીસ અધિકારીઓએ મામળો થાળે પાડ્યા બાદ હોસ્પિટલે બાળકીને ફરીથી દાખલ કરી હતી. હાલમાં તે સ્વસ્થ છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
પરિવારે ડોક્ટરો પર બાળકીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે, પરિવારે કહ્યું કે સૌથી પહેલાં તો હોસ્પિટલે ગંભીર બેદરકારી દાખવી બાળકીને મૃત જાહેર કરી અને ત્યારબાદ તેને બોક્સમાં પેક કરી દેવામાં આવી. ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકી લગભગ અઢી કલાક સુધી બોક્સમાં બંધ રહી આવા સંજોગોમાં બાળકીને ગૂંગળામણ થતા તેનું મૃત્યુ પણ થઈ શકતું હતું.
LNJP હોસ્પિટલના એમડી સુરેશ કુમારે જણાવ્યું કે રવિવારે પ્રી-ટર્મ ડિલિવરી થઈ હતી પછી બાળકીમાં કોઈ હિલચાલ જણાતી ન હતી. બાદમાં તેની હિલચાલ અંગે માહિતી મળી હતી, હાલ તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે. એક્સપર્ટ ડોક્ટરની ટીમ તેની દેખરેખ રાખી રહી છે.
આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.