ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા ઓપી કોહલીનું 87 વર્ષની વયે નિધન થયું છે.
દિલ્હીના નોઈડા સ્થિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને સોમવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
આજે મંગળવારે બપોરે 12 કલાકે દિલ્હીના નિગમ બોઘ ઘાટ પર સદગતના અંતિમ સંસ્કાર કરવામા આવનાર છે આ માહિતી ઓપી કોહલીના પૌત્રી કર્નિકાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે.
ઓમપ્રકાશ કોહલીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા ટ્વિટર પર સ્વ.ઓમપ્રકાશ કોહલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935માં થયો હતો. તેમને વાંચનનો ઘણો શોખ હતો. તેઓ જ્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે તેમણે વિવિધ પુસ્તકોની લાઇબ્રેરી પણ બનાવી હતી.
તેઓએ રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઓમ પ્રકાશ કોહલી દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં માસ્ટર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો હતો અને 37 વર્ષ તેઓએ હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.
—ઓપી કોહલીએ કટોકટી વખતે જેલવાસ પણ ભોગવ્યો હતો.
કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓમપ્રકાશ કોહલીએ વર્ષ 1999થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVPના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.
તેમના દુઃખદ નિધનથી રાજકીય વર્તળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.