– કરોડોની ગેસ ચોરી થયાના પુરાવા મળ્યા બાદ PI કાનમીયા, ASI નવઘણને તત્કાળ સસ્પેન્ડ કરાયા
—સ્ટેટ મોનીટરીંગ સેલે તપાસ દરમ્યાન ગેસ ચોરીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર પંકજ ભરવાડ સાથે દાહોદ એસઓજી પીઆઇ આર.સી.કાનામિયા વચ્ચે ફોન ઉપર આ મામલે અનેકવાર વાતચીત થઈ હોવાનું ખુલ્યું
રાજ્યના પોલીસ ખાતામાં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળા સમગ્ર તંત્રને બદનામ કરી રહયા છે અને ભ્રષ્ટાચારનું દૂષણ ઘુસી જતા સિસ્ટમ ઉપર સવાલો ઉભા થયા છે, આ બધા વચ્ચે કરોડો રૂપિયાની ગેસ ચોરીના મામલામાં દાહોદના એસઓજી પીઆઇ આર.સી.કાનામિયાને તેમજ એએેસઆઇની સંડોવણી બહાર આવતા બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કરોડોની ગેસ ચોરી થયાના પુરાવા મળ્યા બાદ PI કાનમીયા, ASI નવઘણને તત્કાળ સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો સામે આવી છે.
વિગતો મુજબ ગત 10 તારીખના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દાહોદ જિલ્લાનાં દેવગઢબારિયા તાલુકાના પાંચેલા ગામ નજીક પેટ્રોલપંપ પાસે પડેલા દરોડા દરમ્યાન જોખમી રીતે એક ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરી બીજા ટેન્કરમાં કાઢવામાં આવી રહ્યાનું ઝડપી લીધું હતું બાદમાં તપાસ દરમિયાન આ રીતે ગેરકાયદે ગેસ કાઢી તેને વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ કૌભાંડ પકડી પાડી ગેસના ત્રણ મોટા ટેન્કર એક નાનું ટેન્કર અને ગેસ ચોરીના સાધનો મળી કુલ 80 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આ ગેસ ચોરીના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પંકજ અમરા ભરવાડ સહિત નવ ઈસમો સામે ગુનો નોંધી છને ઝડપી લઈ સ્ટેટ મોનીટરીંગ સેલે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસવાળા પણ સામેલ હોવાના પુરાવા મળ્યા હતા.
તપાસ દરમ્યાન ગેસ ચોરીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર પંકજ ભરવાડ સાથે દાહોદ એસઓજી પીઆઇ આર.સી.કાનામિયા વચ્ચે ફોન ઉપર આ મામલે અનેકવાર વાતચીત થઈ હોવાનું ખુલ્યું હતું અને ગેસ ચોરીનું આખુ કૌભાંડ પીઆઇ અને એએસઆઇ નવઘણની મીલીભગતથી ચાલતું હોવાના પુરાવા મળતા ડીજીપીને રિપોર્ટ કરવામાં આવતા ડીજી એ બંનેને સસ્પેન્ડ કરવાનો તાત્કાલિક આદેશ કર્યો છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા PI સામે ગુનો પણ નોંધાઇ શકે છે
પીઆઇ અને આરોપી વચ્ચે વાતચીતના પુરાવા સ્ટેટ મોનીટરીંગ સેલને હાથ લાગ્યા છે. વાતચીત આરોપીના ફોનમાં રેકૉર્ડ થયેલી છે. તપાસ પૂર્ણ થયા બાદ પીઆઇ સામે ગુનો પણ નોંધાઇ શકે છે.
વિગતો મુજબ પંકજ ભરવાડને વોટ્સ એપ ચલાવતા આવડતું નહી હોવાથી તેણે પીઆઇ સાથે સાદા ફોન કોલથી વાતચીત કરતો હતો.પંકજના ફોનમાં ઓટો રેકૉર્ડ ચાલુ હોવાથી બન્ને વચ્ચેની વાંધાજનક વાતચીત બહાર આવી હતી બન્ને વચ્ચેની મીલીભગનો ભાંડાફોડ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં જાણીતા બિલ્ડર અને ભાજપના કેન્દ્રીય કક્ષાનાં ભાગીદાર પાસેથી રૂપિયા 90 લાખનો તોડ કરવાના મામલામાં સંડોવાયા બાદ વડોદરાથી બદલી કરાયેલા વિવાદાસ્પદ દાહોદના એસઓજી પીઆઇ આર.સી.કાનામિયા ફરી ગેસ કૌભાંડ માં ચમક્યા છે.