ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે મુખ્યમંત્રીની મંજૂરી વગર જ પોતાના અંગત વપરાશ માટે છેલ્લા નવ વર્ષમાં 100 વખત સરકારી વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ખર્ચ સરકારી ચોપડે ચડાવી દેવાનો મામલો સામે આવ્યો છે.
આ પ્રકરણમાં થયેલી તપાસ બાદ કેપ્ટન અજય ચૌહાણ પાસેથી ચાર્જ છીનવી લઈ આઈએએસ નીતિન સાંગવાનને ચાર્જ સોંપાવામાં આવ્યો હોવાની વાત સપાટી ઉપર આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
કેપ્ટન અજય ચૌહાણ પોતાનાં પરિવારજનોને બહાર ફરવા લઈ જવા માટે સી એમ, રાજ્યપાલ માટે વપરાતા સરકારી જેટનો ઉપયોગ કરતા હોવાની વાત સામે આવી છે અને મીડિયા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
રાજસ્થાનના પોતાના પાલી વતન જવા માટે સિરોહી, વિદેશ જવા અમદાવાદથી મુુંબઇ ડ્રોપ કરવા, જયપુર, આબુ રોડ, ડુંગરપુર, સિરોહી મિત્રોને મળવા, ભુજ, માંડવી ફરવા માટે તેમજ બરોડા, કેવડિયા, ફાલનાની પર્સનલ ટ્રીપ અને ગાંધીનગરથી પૂના પોતાના પરિવારજનોને મળવા માટે ઉપરાંત નવા બોમ્બાર્ડિયર 650 ચેલેન્જરનો ચાર વખતમાં વેકેશન માણીને મુંબઇ પરત ફરતા તેના પરિવારજનોને લેવા માટે અને પર્સલન ટ્રીપ માટે દિલ્હી લઇ જવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું મીડિયા રીપોર્ટમાં કહેવાયું છે.
ચૌહાણે સત્તાનો દુુરુપયોગ કરી 25-5-2014થી 24-3-2022 સુધી 26 ટ્રીપ કરી છે. જેમાં ઓપરેટિંગ કોસ્ટ, ફ્યુઅલ સહિત 6થી 7 કરોડનો ખર્ચ કરેલા ફલાઇંગ રિપોર્ટમાં દર્શાવાયો છે. એટલું જ નહીં પેસેન્જર મેનીફિસ્ટ રિપોર્ટમાં ચૌહાણ અને તેમના પરિવારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવાની વાત સામે આવતા સબંધિત વર્તુળોમાં આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે.