રાજ્યમાં માવઠાની સ્થિતિ ઉભી થતાં ખેતીવાડીમાં મોટાપાયે નુકશાન થયું છે ત્યારે ફળોના રાજા કેરી હજુ માર્કેટમાં આવે તે પહેલાંજ ખરી પડતા કેરીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે.
વલસાડની હાફૂસ કેરી દેશ વિદેશમાં ખૂબજ પ્રખ્યાત છે ત્યારે વલસાડ જિલ્લામાં 35 હજાર હેકટરમાં તૈયાર થઈ ગયેલા કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે.
વલસાડી હાફુસ આ વખતે બજારમાં ન જોવા મળે તેવી સ્થિતિ ઊભી થતાં કેરીના પાકમાં થયેલા નુકસાનનું વળતર મળી રહે તેવું અહીંના ખેડૂતો ઇચ્છી રહયા છે.
વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદને થતાં આંબાઓ ઉપરથી કેરીઓ ખરી પડવા સાથે ફ્લાવરિંગને પણ ભારે નુકશાન થવા પામ્યું છે.
જિલ્લામાં 35 હજાર હેકટરમાં આવેલી આંબાવાડીમાં ખેડૂતોને 40 ટકાથી વધુ નુકસાન થયાનું અનુમાન છે અને બચેલા કેરીના પાકમાં ફૂગ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન માટે ખેડૂતોને વળતર મળી રહે તે માટે પૂર્વ રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, અને ધરમપુર ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ દ્રારા કૃષિ મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 20 દિવસમાં 3 વાર કમોસમી વરસાદ વચ્ચે વાદળિયા પ્રતિકૂળ હવામાનને લઇ કેરીના પાકને 40 ટકા કરતા પણ વધુ નુકસાન થતા ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી સરકાર તરફ મદદની રાહ જોઈ રહ્યા છે.