આજકાલ અમદાવાદમાં નકલી અધિકારી કિરણ પટેલ ભારે ચર્ચામાં છે અને આ મહાશય વિરુદ્ધ સાત મહિના પહેલા જ ફરીયાદ અરજી થઈ હોવાછતાં જે તે વખતે પોલીસે સાત-સાત મહિના સુધી કિરણને ભેદી રીતે છાવર્યો હોવાની વાત સામે આવી છે.
પૂર્વ મંત્રીના ભાઈ અને સિનિયર સિટિઝન જગદીશભાઈ ચાવડાના બંગલામાં રિનોવેશનના નામે રૂ.35 લાખની ઠગાઈ અને ગેરકાયદે ઘૂસી જઇ કોર્ટમાં ખોટો દાવો કરનારા કિરણ પટેલ વિરુદ્ધ આખરે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી પણ આ પ્રકરણમાં અગાઉ પણ ફરિયાદ અરજી થઈ હોવાની વાત સામે આવી છે,આ અરજી ક્રાઈમ બ્રાન્ચમાં સાતેક મહિના પહેલાં કરવામાં આવી હતી પણ તે સમયે ખાસ ધ્યાન અપાયું નહિ હોવાનું કહેવાય છે.
જગદીશભાઈએ આ અંગે આક્ષેપ કર્યો હતો કે કિરણ પટેલે તેને પ્રધાનમંત્રી ઓફિસમાં ક્લાસ વન ઓફિસર હોવાનું કહીને વિશ્વાસઘાત કર્યો હતો.
જગદીશભાઈ પેથલજી ચાવડા (ઉં.63, રહે. નીલકંઠ બંગલો, શીલજ) ની ફરિયાદ મુજબ હું, ઉપર બતાવેલા સરનામે મારી પત્ની તથા માતા સાથે રહું છું,મારે પ્રોપર્ટી લે-વેચનો વ્યવસાય છે. મારી તથા મારી પત્નીની વય અવસ્થાના કારણે અમારે મોટા બંગલાની જરૂર ન હોઈ અમે અમારો બંગલો વેચવા કાઢ્યો હતો.
દરમિયાન ફેબ્રુઆરી 2022માં કિરણ પટેલ નામની વ્યક્તિએ મારી પત્ની ઈલાબેનને ફોન કરી બંગલાના વેચાણ બાબતે વાત કરી મળવા આવ્યો હતો. બંગલો બતાવતી વખતે કિરણ પટેલે પોતાની ઓળખ વડાપ્રધાનશ્રીની કચેરીમાં ક્લાસ-1 અધિકારી તરીકે આપી બંગલામાં રિનોવેશનનું કામ કરાવીએ તો પૈસા વધુ મળશે અને પોતાને રિનોવેશનનો સારો અનુભવ અને શોખ હોવાનું જણાવ્યું હતું. બે-ત્રણ દિવસ બાદ નીલકંઠ બંગલોની સામે આવેલા ટી પોસ્ટ નામના કેફે પર મને મળવા બોલાવ્યો અને રિનોવેશનના 35 લાખ રૂપિયા થશે અને ત્યાર બાદ બંગલો વેચવાનું કહેતા હું સહમત થયો હતો.
કિરણ પટેલને છૂટક છૂટક 35 લાખ રૂપિયા રિનોવેશનના નામે આપ્યા
ત્યાર બાદ કિરણ તેની પત્ની માલિનીબેન અને ઈન્ટિરિયર ડિઝાઈનર જુબીન પટેલ સાથે અમારા બંગલા પર આવ્યો અને પછી 8થી 10 લોકોને બોલાવી રિનોવેશન કામ શરૂ કરાવ્યું હતું. રિનોવેશન કામ શરૂ થતાં હું મારા પરિવાર સાથે મિત્રના શેલા ગામ પાસે આવેલા બંગલામાં જતો રહ્યો હતો. જ્યાંથી એકવાર જૂનાગઢ કામે જવાનું થયું ત્યારે જાણવા મળ્યું કે કિરણે બંગલાની બહાર પોતાના નામનું બોર્ડ લગાવી બંગલામાં વાસ્તુપૂજન કરી નાંખ્યું છે. આ પહેલાં કિરણ પટેલને છૂટક છૂટક 35 લાખ રૂપિયા રિનોવેશનના નામે આપ્યા હતા. જ્યારે જૂનાગઢથી પરત આવી તેને પૂછતા તેણે કહ્યું હતું કે આ બંગલો હવે તેને જ ખરીદી લેવો છે, મારે અદાણી ગ્રૂપનું એક બહુ મોટું કામ ચાલુ છે. જેનું પેમેન્ટ આવશે ત્યારે બંગલો ખરીદી લઈશ.
જોકે, મને શંકા જતા તેમણે રિવોનેશનનું આગળનું કામ અટકાવી દીધું હતું. ત્યાર બાદ ઓગસ્ટ 2023માં મને અમદાવાદ ગ્રામ્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટ મિરઝાપુરમાંથી નોટિસ આવી હતી. જેની તપાસ કરતા કિરણ પટલે બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો કરેલો હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે,હાલમાં કિરણ પટેલની ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને તેમાં ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.