વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના માંડવા ગામે કવોરી પ્રોજેકટનું કોકડું હજુ ગુંચવાયેલું પડ્યું છે અને ગામના ખાતા નંબર 826 અને સરવે નં-1547ના ખેડૂતની જમીન ઉપર કવોરી બનાવવા મામલે કપરાડાના એક નેતાના ઈશારે ભારે વિરોધ થયા બાદ હવે તેઓજ કવોરી ચાલુ કરવા દબાણ કરી રહ્યાની વાત જાણીને અન્ય નેતાઓમાં પણ કથિત ડીલ અંગે અનેક અટકળો વહેતી થઈ છે અને મેટર ખુલ્લી પડી જતા સબંધિતોમાં આ પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું છે.
નવાઈની વાત તો એ છે કે કવોરી કોઈપણ સંજોગોમાં ચાલુ નહિ થવા દઈએની જે હવા ઉભી કરી ઉપરા ઉપરી બે ગ્રામસભા મળી અને સર્વાનુમતે કવોરી ચાલુ નહિ થવા દેવા ઠરાવ થયો તે વખતેતો લાગતું હતું કે ક્વોરી પ્રોજેકટનું આગળ વધવું મુશ્કેલ છે પણ હવે જે રીતે ચિત્ર બદલાઈ ગયું તે જોતા લાગે કે ગાંધીછાપ કમાલ કરી શકે છે.
કર્સર મશીનથી ઉડતી રજને લઈ આજુબાજુના ખેતરોના ખેડૂતોને તેમજ સ્કૂલના બાળકો,નર્સરીના કામદારો,મંદિરે દર્શન કરવા આવનાર ભવિકોના સ્વાસ્થની ચિંતા જે લોકોને કોરી ખાતી હતી તે ચિંતા પણ હૃદયમય સંજોગોમાં અદ્રશ્ય થઈ ગઈ છે અને હવે એકજ લગની લાગી છે કે ગ્રામસભા યોજી કવોરી ચાલુ કરવા ક્યારે નિર્ણય લઈ શકાય.
ક્વોરી સંચાલકોને જો બાંહેધરી આપીજ દીધી હોય ત્યારે હવે કમિન્ટમેન્ટનો સવાલ આવે છે કારણ કે વિટામિન ‘M’ની ગોળીની એવી કમાલ હોય છે કે પછી બધુજ ઓકે ઓકે થઈ જાય છે આવી બધી ચર્ચાઓ વચ્ચે હવે જ્યારે ગ્રામસભા મળે ત્યારે જ પિક્ચર ક્લીઅર થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.